- એક 40 વર્ષીય મહિલાએ બ્રીજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટુકાવી લેવાનો પ્રયાસ કર્યો
- હર્ષ સંઘવી પસાર થઇ રહ્યા હતા, લોકોનું ટોળું જોઈએ તેઓએ ત્યાં કાર રોકી હતી
- ફાયર વિભાગે મહિલાને તાપી નદીમાંથી બહાર કાઢી હતી
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રીજ આવેલો છે. સાંજના 5 વાગ્યની આસપાસ એક 40 વર્ષીય મહિલાએ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટુકાવી લેવાનો પ્રયાસ (Attempted suicide) કર્યો હતો. મહિલાને તાપી નદીમાં કુદતા જોઈ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને મહિલાને બચાવવાના લોકો દ્વારા પ્રયાસ થઇ રહ્યા હતા. તે સમયે ત્યાંથી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પસાર થઇ રહ્યા હતા. લોકોનું ટોળું જોઈએ તેઓએ ત્યાં કાર રોકી હતી અને બાદમાં ઘટનાની જાણકારી મેળવી હતી. મહિલાએ તાપી નદીમાં આત્મહત્યાની કોશિશ કરી હોવાનું માલુમ પડતા જ ગૃહપ્રધાને તાત્કાલિક મહિલાને બચાવવા માટે સુચના આપી હતી. તેઓએ તાત્કાલિક ફાયર અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.
હર્ષ સંઘવી જાતે જ ઘટના સ્થળે ઉભા હતા
બીજી તરફ બનાવની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે આવી મહિલાને તાપી નદીમાંથી બહાર કાઢી હતી અને તેને સારવાર અર્થે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સુધી મહિલાને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવી ન હતી ત્યાં સુધી હર્ષ સંઘવી જાતે જ ઘટના સ્થળે ઉભા હતા અને મહિલાને હોસ્પિટલ લઇ જવાતા અને તે જીવતી હોવાનું માલુમ પડતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કરનારી મહિલા કોણ છે અને તેણે આ પગલું કેમ ભર્યું હતું તે અંગે હાલ કોઈ માહિતી મળી ન હતી. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.