- સુરતના યુવક પાસેથી ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રોફિટ આપવાના બહાને 3.56 લાખની રકમ પડાવી
- શરૂઆતમાં યુવકે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, જેમાં તેને 3 દિવસમાં 140 રૂપિયાનો પ્રોફિટ થયો
- ગુનામાં સામેલ પશ્ચિમ બંગાળથી અનીતા કુમાર સુમ્બા નામની મહિલાની ધરપકડ કરાઈ
સુરત: શહેરમાં રહેતા એક યુવકને વોટ્સએપ પર અજાણ્યા લોકોએ એક લીંક મોકલી તે લીંક થકી યુનીલીવરના લોગો વાળી બનાવટી એપ્લિકેશન (Fake application) ડાઉનલોડ કરાવી. જે બાદ યુવકને વિશ્વાસમાં લઈને એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. જેથી શરૂઆતમાં યુવકે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. જેમાં તેને 3 દિવસમાં 140 રૂપિયાનો પ્રોફિટ થયો હતો. આવી રીતે તેણે બેથી ત્રણ વાર ઇન્વેસ્ટ કર્યા હતા અને તેને પ્રોફિટ થયો હતો. જે બાદ તેને વિશ્વાસ આવી જતા તેણે અલગ અલગ તારીખે અલગ અલગ રીતે 3.56 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા પરંતુ ત્યારબાદ તે રૂપિયા ઉપડ્યા ન હતા.
7 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા
આખરે યુવકને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા તેણએ સાયબર ક્રાઈમ પોલીસ મથક (Cyber Crime Police Station) માં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈ સાયબર ક્રાઈમ સેલે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં આ ગુનામાં સામેલ પશ્ચિમ બંગાળથી અનીતા કુમાર સુમ્બા નામની મહિલાની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.