- સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવનાર એક શિક્ષક દેશભરના લોકો માટે પ્રેરણા
- છેલ્લા છ વર્ષમાં શાળા છોડી જનારી અઢીસોથી વધુ દીકરીઓને ઘરે જઈ નિ:શુલ્ક ભણાવે છે
- દસ વર્ષ પહેલાં શાળા છોડી દેનાર વિદ્યાર્થિનીઓએ 70 અને 80 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યાં
સુરત : શિક્ષણનું ખાનગીકરણ થઇ ગયું છે. મસમોટી ફી આપીને વિદ્યાર્થીઓ હાલના દિવસોમાં શિક્ષાગ્રહણ કરી રહ્યા છે. ત્યારે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેમાં ખાસ કરીને દીકરીઓ કે જેઓ સામાજિક અને આર્થિક કારણસર શાળા છોડી દેતી હોય છે. આવી દીકરીઓને શોધીને સુરતના સરકારી સ્કૂલના આચાર્ય નરેશ મહેતા તેમના ઘરે જઈને નિઃશુલ્ક ભણાવે છે. છેલ્લા છ વર્ષમાં તેઓએ શાળા છોડી જનારી આશરે અઢીસોથી વધુ દીકરીઓને તેમના ઘરે જઈ નિ:શુલ્ક ભણાવી તેમને ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા અપાવી છે.આ દીકરીઓ પાસ પણ થઇ છે. ડ્રોપઆઉટ 250 દીકરીઓને ઘેર જઈ શિક્ષણ આપી બોર્ડમાં પાસ પણ કરાવનાર શિક્ષકની પ્રેરણાદાયી વાત
શાળા છોડયાના 10 વર્ષ પછી આપી પરીક્ષા
આ દીકરીઓમાં ઘણી બધી દીકરીઓ એવી છે કે જેઓએ શાળા છોડયાના 10 વર્ષ પછી પણ પરીક્ષા આપી છે અને બોર્ડની પરીક્ષામાં 70 થી 80 ટકા ગુણ મેળવ્યા છે. તેઓ સરકારી શાળાના આચાર્ય છે, વેતન પણ સારું છે, શાળામાં ગરીબ પરિવારના બાળકોને ભણાવે પણ છે, તેમ છતાં એક શિક્ષક તરીકે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવાની તેમની ભૂખ સંતોષાતી નથી. તેઓ દરેક સોસાયટી દરેક વિસ્તારમાં આવી દીકરીઓને શોધે છે કે જેને સામાજિક અને આર્થિક કારણોસર શાળા છોડી દીધી હોય. વંચિત વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક અભ્યાસની તક સુરતમાં નરેશ મહેતા દ્વારા શાળા ડ્રોપ કરનારી વિદ્યાથીઓને ઘરે જ નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળા છોડી દેનારી 250થી વધુ વિદ્યાર્થિનીઓએ બોર્ડની પરીક્ષા આપી છે અને તેમાંથી એક તલાટી પણ બની છે.
શાળા છોડી દેનાર વિદ્યાર્થિનીઓએ 70 અને 80 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યાં
સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 114 સંત ડોંગરેજી મહારાજ શાળાના આચાર્ય નરેશ મહેતા છેલ્લા 18 વર્ષથી શિક્ષણ સમિતિની શાળામાં કાર્યરત છે. તેઓ ગરીબ અને વંચિત વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભણાવે છે પરંતુ તેની સાથો સાથ તેઓ ખાસ વિદ્યાર્થિનીઓને ભણાવી રહ્યા છે કે, જેઓ આર્થિક અને સામાજિક કારણોસર શાળા છોડી ચૂકી છે. હાલમાં ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યું છે જેમાં દસ વર્ષ પહેલા શાળા છોડી દેનાર વિદ્યાર્થિનીઓએ 70 અને 80 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યાં છે.
સીવણ અથવા તો સાડીમાં લેસ લગાવવાનું કામ કરે છે
નરેશ મહેતાએ જણાવ્યું હતું કે એક શિક્ષક તરીકે અમારી જવાબદારી છે કે અમે સમાજમાં રહેતી દીકરીઓને પગભર કરીએ. સમાજમાં અનેક કારણોસર દીકરીઓને ભણવાથી રોકવામાં આવે છે જેમાં મુખ્ય કારણ આર્થિક જવાબદારી હોય છે. આ દીકરીઓ ઘરમાં માતાપિતા સાથે સીવણ અથવા તો સાડીમાં લેસ લગાવવા નું કામ કરે છે.. આવી દીકરીઓને જઈને અમે ભણાવીએ છીએ.
આ પણ વાંચોઃ આજે શિક્ષક દિવસ
આ પણ વાંચોઃ શિક્ષક દિવસ પહેલા શિક્ષકો પ્રાથમિકતાના ધોરણે કોરોનાની વેક્સિન લઈ લેઃ મનસુખ માંડવિયા