- 201 સુકા નાળિયેરથી સુસજ્જિત ગણેશજીની ખાસ પ્રતિમા
- આ પ્રતિમા બનાવીને વિશ્વ પરથી કોરોના અને ગ્લોબલ વોર્મિંગ વિઘ્ન દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી
- સુરતના ડો. અદિતિ મિત્તલ કે જેઓ ડેન્ટિસ્ટ તો છે જ સાથે ગણેશજીના પરમ ભક્ત પણ છે
સુરત : શહેરના એક ડેન્ટિસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વ પર ખાસ ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમાની ખાસિયત છે કે, તે 201 સુકા નાળિયેરથી સુસજ્જિત છે. સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી ગણેશના વિચાર સાથે આ પ્રતિમા ડેન્ટિસ્ટ ડૉ .અદિતી મિત્તલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા બનાવીને વિશ્વ પરથી કોરોના અને ગ્લોબલ વોર્મિંગના વિઘ્ન દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
ડ્રાય કોકોનટથી તૈયાર કરાઇ ગણેશજીની પ્રતિમા ડો. અદિતિ મિત્તલે સુકા નાળિયેરથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી
ગણેશોત્સવ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે, આજથી ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. બાપ્પાની સ્થાપના કરી ગણેશ ભક્તો ભક્તિભાવપૂર્ણ પૂજા-અર્ચના કરશે, ત્યારે સુરતના ડૉ. અદિતિ મિત્તલ કે જેઓ ડેન્ટિસ્ટ તો છે જ પરંતુ ગણેશજીના પરમ ભક્ત પણ છે. તેઓ ભગવાનની પ્રતિમા ખરીદવાની જગ્યાએ દર વર્ષે પોતાના હાથથી ખાસ સંદેશ આપતા ગણેશજીની પ્રતિમા બનાવતા હોય છે. ડૉ. અદિતિ મિત્તલે આ વખતે પણ સુકા નાળિયેરથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. ત્રણ ફુટ ઊંચી પ્રતિમા 201 સુકા નારીયેળથી બનાવી છે તેની ખાસિયત છે કે, દરેક નારિયેળ પર હિન્દુ ધર્મના શુભ પ્રતિક પણ તેને અંકિત કર્યા છે.
હિન્દુ ધર્મના ચિહ્નો અંકિત કરવામાં ત્રણ દિવસ લાગ્યા
આ અંગે અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી ગણેશ છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા અમે નારિયેળનો ઉપયોગ કરતા હોઈએ છે. હિંદુધર્મના જે ચિહ્નો છે તેને અંકિત કરવામાં આવ્યા છે. સૂકા નારીયેળ એ બ્રહ્મા ,વિષ્ણુ ,મહેશના પ્રતીક હોય છે. આજે આખા વિશ્વમાં કોરોના ચિંતાનો વિષય છે બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. તેથી અમે ગણેશજીને પ્રાર્થના કરીએ છીએ કે, વિશ્વમાં આ સમસ્યાઓ અને વિઘ્ન દૂર થાય. આ પ્રતિમા તૈયાર કરવામાં 5 દિવસ લાગ્યા છે અને નારિયેળ પર હિન્દુ ધર્મના ચિહ્નો અંકિત કરવામાં ત્રણ દિવસ લાગ્યા હતા.