- અમદાવાદમાં તાજેતરમાં જ બની હતી આત્મહત્યાની ઘટના
- આયશા મકરાણી નામક યુવતીએ સાબરમતીમાં જંપલાવ્યું હતું
- સુરતમાં પણ એક મહિલા તે જ પ્રકારે નદીમાં કૂદવા જઈ રહી હતી
સુરત: માત્ર આયશા જ નહીં આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનતી હોય છે. એવી જ એક મહિલા પતિના ત્રાસથી આજે સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા માટે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી. તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તોસીફ શેખની નજર પડી હતી. તેને લાગ્યું કે આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે. અને અચાનક જ તેના મગજમાં આયશાની ઘટના સામે આવતા તેણે હોપ બ્રિજ સુધી મહિલાનો પીછો કર્યો હતો. મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કૂદવા જઈ જ રહી હતી, ત્યારે તોસિફે તેણીનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.
અમદાવાદની આયશાની જેમ જ સુરતમાં બ્રિજ પરથી કૂદવા જતી મહિલાને રિક્ષાચાલકે બચાવી પતિના ત્રાસથી મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી
તોસીફે જણાવ્યું હતું કે, આયશા આત્મહત્યાની ઘટનાને કારણે જ તેને લાગ્યું હતું કે, આ મહિલા પણ આત્મહત્યા કરવા જઈ રહી છે. તોસિફે મહિલાને સમજાવી હતી અને સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તોસીફે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બે પુત્રીની માતા છે અને પતિ ત્રાસ આપી રહ્યો હોવાથી તે આ પગલું ભરી રહી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આયશાને પણ જો કોઈ તોસિફ જેવો ઈશ્વરનો દૂત મળી ગયો હોત, તો કદાચ આયશાનો પણ જીવ બચી ગયો હોત. આજે એક રિક્ષાચાલકની સૂઝબૂઝના કારણે અમદાવાદમાં આઈશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ છે.
જાણો પોલીસે આ ઘટના અંગે શું કહ્યું ?
કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ વોચ બ્રિજ પર પહોંચી ગઈ હતી ત્યાં આવેલા પોલીસકર્મીએ પીડિત મહિલાને આશ્વત કર્યા હતા. સાથે ETV Bharatને જણાવ્યું હતું કે, જો મહિલા ફરિયાદ આપવા માંગશે તો ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે મહિલાને ન્યાય અપાવીશું. પતિ જે પણ કહે અમે પીડિતા સાથે છીએ અને તેને ફરિયાદ અમે લઈશું.
વાંચો શું છે આયશા આત્મહત્યા મામલો?