- માંડવી તાલુકાના રોસવાડા ગામમાં પકડાયો દીપડો
- વનવિભાગને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી
- મારણની લાલચે આવેલો દીપડો પાંજરે કેદ થઈ ગયો
સુરતઃ જિલ્લાના માંડવી તાલુકામા રોસવાડા ગામે દીપડો પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. મારણની લાલચે આવેલો ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાઈ જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા દિવસ પહેલાં દીપડાના પંજાના નિશાન મળતાં વન વિભાગે પાંજરુ ગોઠવીને તેને પકડવા ટ્રેપ ગોઠવી હતી જેને લઇને દીપડો પકડાયો હતો.
ખોડબા રાઉન્ડની વેગી બીટના વનવિભાગે પકડ્યો દીપડો
વન વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ માંડવી દક્ષિણ રેન્જના ખોડબા રાઉન્ડની વેગી બીટના રોસવાડા ગામે દીપડો અવારનવાર આંટાફેરા મારતો હોવાની ફરિયાદ સ્થાનિકોએ વન વિભાગને કરી હતી. વન વિભાગ દ્વારા ગામલોકોની સાવચેતી ભાગરૂપે મારણ સાથે પાંજરું ગોઠવી દીધું હતું, ત્યારે આજે સવારના સમયે ફરી શિકારની શોધમાં દીપડો રોસવાડા ગામ તરફ આવ્યો હતો અને વન વિભાગે મૂકેલા પાંજરામાં મારણની લાલચે પુરાઈ ગયો હતો.