- ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
- હોસ્પિટલના પહેલા માળે આવેલા સર્વર રૂમમાં લાગી હતી આગ
- 50થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
- 16થી વધુ દર્દીઓ ગંભીર સ્થિતિમાં હતા દાખલ
સુરતઃ શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં બપોરે 3.20 વાગ્યે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓ અને ડોક્ટર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી આશરે 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું, જેમાંથી 16થી વધુ ગંભીર સ્થિતિમાં દાખલ દર્દીઓ હતા. દર્દીઓને વેન્ટીલેટર અને ઓક્સિજન સાથે જ રેસ્ક્યૂ કરાયા હતા. ધૂમાડાના કારણે દર્દીઓએ પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. તમામ દર્દીઓ અને સ્ટાફના લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
કાર્બન મોનોક્સાઈડ ગેસ ચારે તરફ ફેલાયો
આ આગના કારણે કાર્બન મોનોક્સાઈડ ગેસ ચારે તરફ ફેલાવા લાગયો હતો. જેથી આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના જવાનોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ગેસ ઝેરી હોવાના કારણે આંખમાંથી અશ્રુ નીકળ્યા હતા. પહેલા માળે લાગેલી આગના કારણે આ ગેસ બીજા અને બેઝમેન્ટ સુધી ફેલાઈ હતી. જેથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબૂમ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
હોસ્પિટલમાં લાગેલી આ આગ પહેલા માળે આવેલા સર્વર રૂમમાં લાગી હતી. આ અંગે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. જેને ગણતરીની મિનિટોમાં ઓલવી દેવામાં આવી હતી, પરંતુ આગના કારણે જે ઝેરી ધુમાડો થયો હતો, તેના કારણે સ્થિતિ નિયંત્રણમાં કરવામાં સમય લાગ્યો હતો.