- આવાસમાં રહેતા બાળકો સહિત 6 લોકોનો આબાદ બચાવ
- હળપતિ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યું હતું મકાન
- મકાન જર્જરિત હાલતમાં હોવાથી સામાન્ય પવનમાં તૂટી પડ્યું
બારડોલીઃ પલસાણા તાલુકામાં તૌકતે વાવાઝોડાને પગલે સોમવારે સવારથી જ વાવાઝોડાની આંશિક અસર જોવા મળી હતી. સોમવારે બપોરે દસ્તાન ગામમાં આવેલા એક જર્જરિત હળપતિ આવાસ એકાએક તૂટી પડ્યું હતું. આવાસમાં રહેતા પરિવારના બાળક સહિતના 6 લોકો આવાસમાં હતા. જોકે, સદનસીબે કોઈને પણ જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચોઃવલસાડના નારગોલ દરિયા કિનારે ટકરાયું તૌકતે, કોઈ મોટું નુકસાન નહિ
નવા આવાસ માટે કરી છે રજૂઆત
દસ્તાન ગામમાં આવેલા હિન્દુ ફળિયામાં રિટા સુકાભાઈ રાઠોડ (30)નું આવાસ છે. રિટાબેન અને તેનો પતિ સુકાભાઈ ખેતરમાં છૂટક મજૂરી કરી જીવન પસાર કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેમનું આવાસ જર્જરિત થઈ ગયું છે, જેને પગલે પંચાયતમાં રજૂઆત બાદ નવું આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કારણે હાલ આવાસનું કામ ખોરંભે ચડ્યું હતું. બપોરે અચાનક આવેલા પવનથી મકાન તૂટ્યું હતું.