સુરત : શહેરમાં બે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે. આ વીડિયો સુરતના અમરોલી વિસ્તાર ખાતે આવેલા કાંસા નગરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક બુટલેગરના આતંક અને દારૂના અડ્ડાઓના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા આખરે દારૂની પોટલીઓને ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમરોલી પોલીસ સ્ટેશનની હદમા આવેલા કાસાનગરમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયાના વાઇરલ થયેલા બે વીડિયોમાં જોવા મળે છે કે, લોકો ભેગા મળી રસ્તા પર આશરે 300થી વધુ દેશી દારૂની પોટલીઓ મૂકી લાકડાના ફટકા વડે તેને ફોડી રહ્યા છે.
બાળક ફોડી રહ્યો છે દેશી દારૂની પોટલીઓ ઉલ્લેખનીય છે કે, એક બાળક દ્વારા આ તમામ પોટલીઓ લાકડીના ફટકા વડે ફોડવામાં આવી રહી છે. વાઇરલ વીડિયોમાં લોકોનો રોષ સાફ રીતે જોવા મળે છે. આમ તો રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં અવારનવાર દેશી દારૂ અથવા તો ઈંગ્લીશ દારૂનો વેપલો થતો હોવાનો વીડિયો વાઇરલ થતા રહે છે.
વાઇરલ વીડિયોના કારણે સુરત પોલીસ પર પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે. દારૂના અડ્ડાઓના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો આટલી મોટી સંખ્યામાં દેશી દારૂની પોટલીઓ લાવી વિરોધ નોંધાવી રહ્યા છે અને પોલીસને શું આ અડ્ડાઓની ખબર નથી ? એ મોટો પ્રશ્ન છે.
દેશી દારૂનો અડ્ડો અનિતા નામક બુટલેગર ચલાવતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હવે વીડિયો વાઇરલ થતા પોલીસ કમિશનર અજય તોમર શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું.