- પર્વત પાટિયા પાસેથી શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકીનું અપહરણ
- પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હોવા છતા કોઈ ભાળ ન મળી
- 12 કલાક બાદ દિલ્હીગેટ વિસ્તારમાંથી બાળકી હેમખેમ મળી આવતા રાહતનો દમ
સુરત: પર્વત પાટિયાના આઈમાતા રોડ પર રહેતા એક શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. જેની જાણ પુણા પોલીસને કરવામાં આવતા પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક શખ્સ બાળકીને ખભે ઉપાડીને લઇ જતા નજરે ચડ્યો હતો. બનાવની ગંભીરતા જોઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો આ તપાસમાં જોડાયો હતો. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકીની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન દિલ્હીગેટ પાસેથી બાળકી હેમખેમ મળી આવતા પોલીસે પરિવારને સોંપી હતી.
બાળકી હેમખેમ મળી આવી
બાળકીનું અપહરણ કર્યા બાદ અપહરણકાર દિલ્હીગેટ વિસ્તારમાં મુકીને ફરાર થઇ ગયો હતો. બાળકી એક વ્યક્તિને હેમખેમ મળી આવતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં પહોચીને બાળકીને વરાછા પોલીસ મથક લઇ ગઈ હતી. જ્યાંથી બાળકીને સહી સલામત પરિવારને સોપવામાં આવી છે. બાળકી હેમખેમ મળી આવતા બાળકીના પરિવારજનો અને પોલીસે રાહતનો દમ લીધો હતો. જોકે, આ મામલે પોલીસે હજુ પણ આરોપીને પકડવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
12 કલાક બાદ બાળકી મળી આવી
શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકી ગુમ થઈ હોવાથી પરિવારજનોએ પુણા પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પુણા પોલીસની 4 ટીમ અને DCB પોલીસની બે ટીમ બાળકીની શોધમાં લાગી હતી. પોલીસ દ્વારા નાના બાળકો અને ત્યાં રહેતા લોકોની તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોગ સ્કોવોર્ડની મદદ લઈને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અપહરણકાર બાળકીને દિલ્હીગેટ વિસ્તારમાં મુકીને ફરાર થઇ ગયો હતો અને બાળકી એક યુવાને મળી આવી હતી. બાળકીની તપાસમાં જોડાયેલી પોલીસને 12 કલાક બાદ હેમખેમ મળી આવતા રાહતનો દમ લીધો હતો.