- ઋષિએ સમગ્ર દેશમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું
- IIM સહિતની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાય છે આ પરીક્ષા
- ટોપ 25માં સ્થાન મળતા અમદાવાદ IIMમાં પ્રવેશના દરવાજા ખુલ્યા
સુરત: સુરતના 21 વર્ષીય ઋષિ પટેલે CATની પરીક્ષામાં દેશભરમાં ટોપ 25માં સ્થાન મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. IIT દિલ્હીમાં બી.ટેકનો અભ્યાસ કરી રહેલા ઋષિની આ સિદ્ધિથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. CATની પરીક્ષા ટોપ સ્કોર સાથે પ્રાપ્ત કરતા જ ઋષિ માટે IIM અમદાવાદમાં પ્રવેશના દરવાજા ખુલી ગયા છે.
પિતા ઈજનેર અને માતા હાઉસ વાઈફ
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સંસ્કાર પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપ પટેલ રિલાયન્સ કંપનીમાં ઈજનેર છે અને તેમના પત્ની હાઉસ વાઈફ છે. તેમનો એકનો એક દીકરો 21 વર્ષીય ઋષિ પટેલ હાલ IIT દિલ્હીમાં બી.ટેકના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છે.
29મી નવેમ્બર, 2020ના રોજ યોજાઈ હતી પરીક્ષા
ઋષિએ IIMમાં એડમિશન મેળવવા માટે 29મી નવેમ્બર 2020ના રોજ CATની પરીક્ષા આપી હતી. સમગ્ર દેશમાંથી 2.27 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાંથી 9 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં ઋષિએ 99.99 પરસન્ટાઇલ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. ઋષિને સમગ્ર ભારતમાં ટોપ 25માં સ્થાન મળ્યું છે.