- મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીરે પિતાની હત્યા કરી
- શરૂઆતમાં અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાની કોશિશ પરિવાર દ્વારા કરવામાં આવી
- અર્જુનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું
સુરત: ફરી એક વખત સગીરોમાં અને બાળકોમાં વધી રહેલા મોબાઇલ ફોનના સામે લાલબત્તી સમાન ઘટના સુરતમાં બની છે. સુરતના હજીરા ખાતે મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીરે પિતાની જ હત્યા કરી દીધી હતી. શરૂઆતમાં અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાની કોશિશ પરિવાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાની હકીકત બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ બાથરૂમમાં પડવાથી ઈજા થયાનું તરકટ રચ્યું હતું.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું
સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલા કવાસ ગામે રહેતા ચાળીસ વર્ષિય અર્જુનને નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. અર્જુન 6 દિવસ પહેલા બાથરૂમમાં પડી ગયો હતો, જેના કારણે તેને ઈજાઓ થઈ હતી. આ સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઈચ્છાપુર પોલીસને જાણ કરી હતી. આ મામલો પોલીસને શંકાસ્પદ લાગ્યો હતો, જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.
માતાએ પોતે ફરિયાદી બની પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અર્જુનની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. અર્જુનની હત્યાનું કારણ ઘણું ચોંકાવનારું હતું. અર્જુનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચડી ગયેલા સગીર પુત્ર પાસેથી અર્જુને મોબાઈલ ફોન લઈ લીધો હતો, જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. પિતા સાથે મોબાઈલ ફોન ગેમ રમવાની બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. આ વિશે તેણે માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જોકે હકીકત સામે આવતા માતાએ પોતે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.