ગુજરાત

gujarat

ETV Bharat / city

RTPCRના લેબમાં 90 ટકા મહિલા કર્મયોગીઓ કરી રહી છે કાર્ય

મહિલા કર્મયોગીઓ કે જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધે ઓવરટાઈમ કરીને પણ 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.

90 ટકા મહિલા કર્મયોગીઓ કરી રહી છે કાર્ય
90 ટકા મહિલા કર્મયોગીઓ કરી રહી છે કાર્ય

By

Published : May 29, 2021, 9:00 AM IST

  • કોરોનાની બન્ને લહેરમાં 2.75 લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા
  • દૈનિક 2,500થી 3,000 નમૂનાઓનું પરીક્ષણ
  • ટેસ્ટીંગ માટે 10 મશીનો, બે RNA એક્સટ્રેક્શન મશીન ઉપલબ્ધ

સુરત:નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની મહિલા કર્મયોગીઓ કે જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં 2.75 લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા છે, અને કોરોનાની સારવાર માટેના પ્રથમ પગલાંરૂપ ટેસ્ટીંગની કામગીરી માટે ઘડીયાળના કાંટાઓ જોયા વિના 12થી 15 કલાક કામ કર્યું છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધે ઓવરટાઈમ કરીને પણ 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે.

RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત

આ લેબનું જમાપાસું એ છે કે, અહીં તબીબો અને ટેકનિશિયન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના 90ના સ્ટાફગણમાં 80 મહિલાઓ અને 10 પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 90 ટકા મહિલા કર્મયોગીઓ છે, જેઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે અને દૈનિક 2,500થી 3,000 નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈનની જવાબદારી પણ વધી ગઈ છે.

બીજી લહેરમાં આજદિન સુધીમાં 2.65 લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા

વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં 2.65 લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-2020 થી લઈને ફેબ્રુઆરી-21 સુધીમાં 1.39 લાખ તથા માર્ચ-21 થી મે-21 સુધીમાં 1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. 90 ટકા જેટલી બહુમતીમાં મહિલા સ્ટાફગણ જીવની પરવા કર્યા વિના 10 થી 12 કલાક PPE કીટ પહેરીને ફરજ નિભાવે છે. ડિપાર્ટમેન્ટમાં 38 ટેકનિકલ સ્ટાફ, આઠ સર્વન્ટ, 11 ડોકટર, ચાર VRDL સ્ટાફ મળી કુલ 90 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી 10 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: VNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું

1,200 ટેસ્ટ કરવામાં આવતા હતા

વધુમાં ડો. સુમેયા કહે છે કે, જ્યારે 2020ના વર્ષમાં માર્ચ મહિના દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા તાબતતોડ ICMRની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અમદાવાદ, જામનગર બાદ ત્રીજી લેબ શરૂ કરવાં સુરતની સિવિલને મંજૂરી આપવામાં આવી હતી. શરૂઆતના એ સમયે સુરત શહેરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોરોના દર્દીઓના રોજના 800થી લઈ 1,200 ટેસ્ટ કરવામાં આવતા હતા. પછી તબક્કાવાર સ્મીમેર અને શહેર, જિલ્લાની અન્ય ખાનગી લેબોને મંજૂરી મળતા ટેસ્ટીંગ શરૂ થયા હતા. ત્યાં સુધી અમારા વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતની કોવિડ ટેસ્ટીંગ જવાબદારી બખૂબી નિભાવી અને આજપર્યંત અમારૂં કામ 24x7 રાઉન્ડ ધ ક્લોક અવિરત છે.'

ટુંકાગાળામાં 1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા

કોરોનાની બીજી લહેરમાં પણ માત્ર ત્રણ મહિનાના ટુંકાગાળામાં 1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, તબીબોથી લઈને સર્વન્ટ સુધીના સ્ટાફનું ટીમવર્કથી ટેસ્ટીંગ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલની આ લેબમાં ટેસ્ટીંગ માટે 10 મશીનો, બે RNA એક્સટ્રેક્શન મશીન ઉપલબ્ધ છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો:VNSGUના બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી

સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે

કોવિડ ટેસ્ટીંગ માટેના નોડલ ઓફિસર અને પ્રોફેસર ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, સેમ્પલ આવ્યાં બાદ સૌ પ્રથમ વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડીયમમાં આવેલા સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલા RNAને RNA એક્સટ્રેકશન મશીનમાં એક્સટ્રેક્ટ (અલગ) કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રિએજન્ટમાં ઉમેરી કોવિડ-19 વાઈરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં બે કલાક મૂકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઈને આ વાઈરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ એક ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી આશરે 08 થી 09 કલાક જેટલો સમય લાગે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.

ઈન્ફેક્શન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું

આ સમગ્ર પ્રક્રિયા માટે બાયો સેફટી કેબિનેટ કલાસ ટુએ, RT-PCR અને RNA એક્સટ્રેકશન મશીન, માઈનસ 20 ડિગ્રી રેફ્રિજરેટર (જેમાં 06 માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકાય છે) સેન્ટ્રીફ્યુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન જેવા અતિ આધુનિક સાધનોની જરૂર પડે છે એમ તેઓ જણાવે છે. ડો. નીતાએ ઉમેર્યું કે, દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને નવસારીમાં નવી RT PCR લેબ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેમના સ્ટાફગણને ટેસ્ટીંગ માટે ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી. સિવિલમાં અમે ઈન્ફેકશન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું છે. જે વિવિધ વિભાગોમાં તબીબો, નર્સિંગ અને મેડિકલ સ્ટાફમાં સંક્રમણ અટકાવવાં માટે પણ સતત કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details