ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોના કાળમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 85 ખાનગી ડોક્ટર્સે નિ:શુલ્ક સેવા આપી - કોરોનાની વિકટ સ્થિતિ

ભગવાનની ઉપાસના કરવા માગતા હો તો જનસેવા પણ એક શ્રેષ્ઠ માર્ગ છે. કંઇક આવા જ માર્ગે ચાલીને 85 સુરતી ડોક્ટરોએ 'જનસેવા એજ પ્રભુસેવા'ને સર્વોપરી ગણી સિવિલ અને સ્મીમેરમાં નિ:શુલ્ક તબીબી સેવા આપી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન બંને હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછતને નીવારવા સિવિલમાં 44, સ્મીમેરમાં 25, આઈસોલેશન સેન્ટર્સમાં 16 ખાનગી ડોક્ટરોએ વિનામૂલ્યે અને નિ:સ્વાર્થ સેવા આપીને સાબિત કર્યું છે કે 'માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી'.

સુરતમાં કોરોના કાળમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 85 ખાનગી ડોક્ટર્સે નિ:શુલ્ક સેવા આપી
સુરતમાં કોરોના કાળમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 85 ખાનગી ડોક્ટર્સે નિ:શુલ્ક સેવા આપી

By

Published : Jun 3, 2021, 12:34 PM IST

  • કોરોના કાળમાં ડોક્ટર્સે કર્યો સેવાયજ્ઞ
  • 85 ડોક્ટર્સે દર્દીઓની નિઃશુલ્ક સેવા કરી
  • ખાનગી અને સરકારી હોસ્પિટલમં કામ કરતા ડોક્ટર્સે કર્યો સેવાયજ્ઞ

સુરતઃ શહેરમાં કોરોના કાળ દરમિયાન ખૂબ જ દયનીય સ્થિતિ હતી, પરંતુ આવી સ્થિતિમાં પણ લોકોની સેવા કરવાનું બીડું ઝડપ્યું હતું અહીંના ડોક્ટર્સે. માત્ર સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર્સ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલ્સમાં કામ કરતા ડોક્ટર્સ પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. સુરતમાં કોરોના કાળ દરમિયાન 85 ડોક્ટર્સે દર્દીઓની નિઃશુલ્ક સેવા કરી હતી.

ડોક્ટર્સે સ્વ અને પરને પ્રાધાન્ય આપ્યું
સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં કાર્યરત આ તબીબો કોવિડની વિકટ પરિસ્થિતિમાં 'સ્વ' ને 'પર' ને પ્રાધાન્ય આપ્યું છે. સિવિલ અને સ્મીમેરમાં સ્ટાફની અછત જણાઈ રહી છે એવું એવું જાણવા મળતા કોઇ પણ ચાર્જ લીધા વિના નિ:શુલ્ક સેવા આપવાનો સૌને વિચાર આવ્યો હતો, જેથી સિવિલમાં 44, સ્મીમેરમાં 25, આઈસોલેશન સેન્ટરોમાં 16 તબીબોએ કોવિડના દર્દીઓ માટે સારવાર સેવાયજ્ઞમાં આહૂતિ આપી હતી.

આ પણ વાંચો-સેવા હી સંગઠન કાર્યકર્મ અંતર્ગત કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યું


'સાંજે પણ તમે આવશો ને? એવું પૂછતા

તબીબોની ટીમે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ અમારી ટીમ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવા સંકલ્પબદ્ધ છીએ. તબીબ ડો.હિતેશ ઈટાલિયાએ કહ્યું કે, સવારે અમે જ્યારે દર્દીની મુલાકાતે જતા, ત્યારે કોવિડના દર્દીઓ અમને આવજો કહીને 'સાંજે પણ તમે આવશો ને? એવું પૂછતા ત્યારે ખૂબ આનંદની લાગણી થતી. કોવિડમાં દર્દીને સારવારની સાથે સહાનૂભૂતિની જરૂર હોય છે, જે માટે અમે સારવાર સાથે જ મનોબળ અને જુસ્સો વધારતાં વાક્યો બોલીને તેમને જરાયે ચિંતા ન કરવાં કહેતા હતા.
આ પણ વાંચો-ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી


'અમે જ તમારા દીકરા છીએ, પછી ચિંતા શાની કરો છો?'

નવી સિવિલમાં સેવા આપનારા ડો. રિતેશ શાહે જણાવ્યું હતું કે, 'કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી ત્યારે સિવિલમાં સેવાભાવી સંસ્થાઓ સાથે કોવિડ વોર્ડમાં જવાનું થતું હતું. જ્યાં મને લાગ્યું કે, જો હજુ વધુ તબીબો કાર્યરત હોય તો વધુ સારી સારવાર કરી શકાય. જેથી એકબીજાથી પરિચિત મિત્ર ડોક્ટરોનું એક ગ્રુપ બનાવ્યું. જેમાં ધીરે-ધીરે 85 તબીબો જોડાયા અને સૌએ સરકારી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સેવા આપવાના વિચારને વધાવી લીધો હતો. સ્થાનિક આરોગ્ય તંત્રવાહકો સાથે વાત કરી એમની અનુમતિ લઈ 44 તબીબોના 5 ગૃપ બનાવી અલગ અલગ કોવિડ વોર્ડમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. ઘણી વાર મોટી ઉંમરના દર્દીઓ પોતાના દીકરા-દીકરીઓને મળવા માટે માનવસહજ જિદ કરે એવા સમયે વડીલ દર્દીને 'અમે જ તમારા દીકરા છીએ, પછી ચિંતા શાની કરો છો?' એવું આત્મીયભાવે કહીને એમને એકલતાનો અનુભવ થવા દેતા ન હતા.

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી

સ્મીમેરમાં સેવા કરનારા આ ડોક્ટર ગૃપના ડો. હસમુખ બલરે જણાવ્યું હતું કે, હું ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. ભૂતકાળમાં પૂર, પ્લેગ જેવી અનેક કુદરતી આફતોમાં સપડાયેલા સુરતને આપણે સૌએ સાથે મળીને ફરીવાર ધબકતું કર્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ. સિવિલ, સ્મીમેરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, જેથી તબીબી ધર્મને અનુસરી, મુશ્કેલીમાં મૂકાયેલા આપણા ભાઈઓ-બહેનો માટે કંઈક કરવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈને ગ્રુપ બનાવ્યું. સાથી તબીબોએ પણ સાથ-સહકાર આપવા ઉમળકો દર્શાવ્યો. સ્મીમેર આરોગ્યતંત્રની સંમતિથી અહીં 25 તબીબો કોરોના દર્દીઓની સેવામાં જોડાયા. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે તેવા કિસ્સા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details