ગુજરાત

gujarat

ETV Bharat / city

82 વર્ષના વૃદ્ધા બે મહિનામાં 2 વખત કોરોનાગ્રસ્ત થયા, બન્ને વખત ઘરે રહીને જ આપી માત - 82 years old day tested positive for corona twice in 2 months

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક 82 વર્ષીય વૃદ્ધા કોરોનાની બીજી લહેરમાં બે માસમાં 2 વખત કોરોનાગ્રસ્ત થયા હતા. પોતાની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસના કારણે વૃદ્ધાએ ઘરે રહીને જ બન્ને વખત કોરોનાને પરાસ્ત કર્યો હતો.

82 વર્ષના વૃદ્ધા બે મહિનામાં 2 વખત કોરોનાગ્રસ્ત થયા, બન્ને વખત ઘરે રહીને જ આપી માત
82 વર્ષના વૃદ્ધા બે મહિનામાં 2 વખત કોરોનાગ્રસ્ત થયા, બન્ને વખત ઘરે રહીને જ આપી માત

By

Published : May 7, 2021, 8:30 PM IST

  • સુરતના 82 વર્ષીય વૃદ્ધાની પ્રેરણાદાયક કહાણી
  • બે માસમાં 2 વખત કોરોનાને માત આપી થયા સ્વસ્થ
  • તંદુરસ્તી અને આત્મવિશ્વાસ થકી લોકોને આપી રહ્યા છે પ્રેરણા

સુરત: વરાછા વિસ્તારમાં રહેતા 82 વર્ષના દાદીને 2 માસમાં બે વખત કોરોના થયો હોવા છતાં પણ પોતાના શરીરની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસના બળે કોરોનાને હરાવીને પુનઃ સ્વસ્થ થઇ ગયા છે. નિયમિત આહાર અને ઢળતી ઉંમરે પણ ચાલવા જવાની આદતના કારણે તંદુરસ્તી યથાવત રાખનારા આ દાદીની આ વાત અનેક કોરોનાગ્રસ્ત લોકોને મનોબળ પૂરૂ પાડે તેવી છે.

24 માર્ચના રોજ પ્રથમ વખત થયો કોરોના

મૂળ પાલિતાણા તાલુકાના સગાપરા ગામના વતની અને હાલમાં પોતાના પૌત્રો સાથે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 82 વર્ષીય રાધાબેન ગગજીભાઇ ભિકડિયાને 24 માર્ચના રોજ તાવ, શરદી અને ખાંસીની ફરિયાદ બાદ શરીરમાં અશક્તિ આવી ગઇ હતી. જેના કારણે તેમને સારવાર માટે ખાનગી તબીબને ત્યાં લઇ જવાયા હતા. જ્યાં વિવિધ ટેસ્ટ બાદ રિપોર્ટ આવતા કોરોના હોવાનું માલૂમ પડ્યું હતું. કોરોનામાં 15 ટકા ફેફસા પર અસર થઇ હોવા છતાં પણ રાધાબહેને હોસ્પિટલની દવા સાથે ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું. ઘરે જ ઓક્સિજન સપ્લાય અને પૌષ્ટિક આહાર તેમજ દવાના સેવન થકી રાધાબહેને 18 દિવસમાં કોરોનાને માત આપી હતી.

પુત્ર બાદ તેઓ ફરીથી સંક્રમિત થયા

રાધાબહેન રિકવર થયા બાદ તેમના પુત્ર ગણેશભાઇને પણ કોરોના થયો હતો. જ્યારબાદ 17 એપ્રિલે રાધાબહેનને શરીરમાં કોન્સ્ટીપેશન તેમજ ન્યુમોનિયાની અસર થઇ હતી. જેની તપાસ કરાવતા તેમને કોરોનાના માઇલ્ડ લક્ષણો જણાયા હતા. જેથી ફરી વખત તેમને ખાનગી તબીબની દવા લઇને ઘરે જ સારવાર આપવામાં આવી હતી. નિયમિત દવાના સેવન, શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર સતત દેખરેખના પરિણામે રાધાબહેન ફરી વખત સાજા થઇ ગયા હતા. આ બૈ માસ જેટલા સમયગાળા દરમિયાન રાધાબહેનને ઘરમાં એક અલાયદા રૂમમાં જ રાખવામાં આવ્યા હતા. નિયમિત દવાઓ, ઉકાળાના સેવનથી આજે 7 મે ના રોજ રાધાબહેને ફરી એક વખત કોરોનાને માત આપી હતી.

નિયમિત અને પૌષ્ટિક આહારના કારણે તંદુરસ્તી બરકરાર

82 વર્ષની ઉંમર હોવા છતાં રાધાબેન શરીરે ખડતલ છે. તેમના પરિવારમાં 16 સભ્યો છે. કોરોના થયો એ પૂર્વે તેઓ નિયમિત રીતે ચાલવા જવાની આદત ધરાવતા હતા. વોકિંગ એમની જીવનશૈલીનો એક ભાગ છે. જમવામાં પણ તેઓ બહુ ચુસ્ત છે. દિવસમાં તેઓ ત્રણ ટાઇમ સમયસર આહાર લે છે. સવારે દૂધ-રોટલી, બપોરે દાળભાત અને શાક રોટલી, સાંજે દૂધ રોટલો, આ તેમનો આહાર છે. નિયમિત અને પૌષ્ટિક આહારના કારણે રાધાબહેનની તંદુરસ્તી બરકરાર રહી હતી. જેના થકી જ બે માસમાં બે વખત કોરોનાને પરાસ્ત કર્યો છે. યુવાની કાળ ગામડામાં ખેતીકામ જેવા અથાગ મહેનત અને પરિશ્રમના પ્રતાપે આજે મોટી ઉંમરે પણ રાધાબહેને કોરોનાને માત આપી શક્યા છે.

ABOUT THE AUTHOR

...view details