સુરત: શહેરની મદ્રેસા ઈસ્લામિયા વકફની શહેરની અલગ-અલગ શાખાઓમાં બિહાર રાજયના 14થી 22 વર્ષની બાળકો અને કિશોરો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓની પરીક્ષાઓ પૂર્ણ થતા તારીખ 23 અને 24મી માર્ચના રોજ વતન બિહાર જવા માટે ટ્રેનનું એડવાન્સ ટિકીટનું બુકીંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનના પરિણામે તેઓ અહીં મદ્રેસામાં ફસાયા હતા.
સુરતની મદ્રેસામાં અભ્યાસ કરતા 670 વિદ્યાર્થીઓ તત્કાલ ટ્રેન દ્વારા બિહાર મોકલાયા - જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ તેના સંક્રમણને નાથવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. તેવા સમયે સુરત શહેરની મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા અને મુળ બિહારના વતની એવા 670 જેટલા વિદ્યાર્થીઓની વ્હારે કલેકટર ડો.ધવલ પટેલ આવ્યા હતા. મદ્રેસામાં વેકેશન હોવાથી વતન બિહાર જવા માંગતા 670 વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે સુરતમાં ફસાઈ ગયા હતા. જેમને તત્કાલ સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બિહાર ખાતે રહેતા બાળકોના માતા-પિતા તરફથી વારંવાર રજૂઆતો કરીને પોતાના બાળકોને વતન આવવા માટે ચિંતા કરવામાં આવતી હતી. લોકડાઉન લંબાયું હોવાથી બંધ વાહનવ્યવહારની સ્થિતિમાં બાળકોને વતન મોકલવા માટે ટ્રસ્ટીગણ ચિંતામાં મુકાયા હતા. લાંબા સમયથી વતન જવાની રાહ જોઈ રહેલા કેટલાક બાળકોની માનસિક સ્થિતિ પર વિપરિત અસર થઈ રહી હતી.
મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા સનમવરે જણાવ્યું કે, આજે અમારી ખુશીઓનો કોઈ પાર નથી. લોકડાઉનના કારણે અમે અહી દોઢ મહિનાથી વતન જવા માટેની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. સુરતે કોરોના વાઇરસનો રેડઝોન વિસ્તાર હોવાના કારણે વતનમાં માતા-પિતાને અમારી સતત ચિંતા સતાવતી હતી. અમારો દિકરો કયારે વતન આવશે તેવા સતત ફોન કરીને ખબર-અંતર પૂછતા હતા. અમોને તત્કાલ મંજુરી આપવા બદલ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો દિલથી આભાર માનીએ છીએ.