- ડોક્ટર્સ પછીની મહત્વની ભૂમિકા એટલે નર્સિંગ સ્ટાફ
- નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ
- 5000 નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે
સુરત:આજે ઈન્ટરનેશનલ નર્સિસ ડે છે. કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતું હોય તો તે નર્સિંગ સ્ટાફ છે. ડોક્ટર્સ સાથે ખભે-ખભા મિલાવી દર્દીઓની સારવારમાં તેઓ પણ કોઈપણ પ્રકારના ડર વગર, જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. સુરત શહેરની તમામ સરકારી અર્ધસરકારી, પાલિકા હેલ્થ સેન્ટર્સ ખાતે કુલ 5000 નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે અને શહેરને કોરોનામુક્ત રાખવામાં અગત્યનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં 680 નર્સિંગ ભાઈઓ-બહેનો કોરોના દર્દીઓની સેવા-સુશ્રુષામાં કર્તવ્યરત છે.
આ પણ વાંચો: સુરતઃ સિવિલ હોસ્પિટમાં સેનિટાઈઝેશન, ડિસઇન્ફેક્શન તેમજ સાફસફાઈની અવિરત કામગીરી કરતાં 1200 કોરોના યોદ્ધાઓ
એક વર્ષ ખરા અર્થમાં નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા જણાવે છે કે, કોરોનાકાળનું છેલ્લું એક વર્ષ ખરા અર્થમાં નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન રહ્યું છે. એક વર્ષથી સુરતનો નર્સિંગ સ્ટાફ અવિરત કોરોના સામે લડી ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ બહેનો ઘર-પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે. જે તેમની કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સતત 8થી 10 કલાક PPE કીટ, માસ્ક અને ગ્લોવ્ઝમાં દર્દીઓને દરેક પ્રકારની મદદ કરવામાં પાછીપાની કરતા નથી.