- વિશાળકાય વૃક્ષ પડી જતા માળા સાથે 40 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત
- પક્ષીઓનું રેસ્ક્યુ હાથ ધરી સારવાર માટે સુરત લવાયા
- દોઢ મહિના સુધી આ પક્ષીઓની કરવામાં આવશે સારવાર
સુરત: નવસારીમાં ભારે વરસાદના કારણે એક વિશાળકાય વૃક્ષ પડી જતા માળા સાથે 40 જેટલા ઓપન બીલ સ્ટોર્ક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેની સુરતના નેચર કલબને જાણ થતા વોલેન્ટિયર્સ ઘટનાસ્થળે પહોંચી આ તમામ પક્ષીઓનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને તેમને સારવાર માટે સુરત લઈ આવવામાં આવ્યા હતા. આ પક્ષીઓને આશરે દોઢ મહિના સુધી સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો:સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું, વન વિભાગે કબજામાં લીધું
પક્ષીઓ ઈજગ્રસ્ત થયા નેચર ક્લબ મોકલાયા
નવસારીમાં 18 જુલાઈના રોજ એક વૃક્ષ પડી જતા ત્યાં ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારી દ્વારા નેચર ક્લબ સુરતને જાણ કરવામાં આવી હતી. આ બાદ નેચર ક્લબ સુરતના વોલેન્ટિયર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવતા આ પક્ષીઓ ઓપન બીલ સ્ટ્રોક (OpenBill Strock) પક્ષી હોવાનું માલુમ પડ્યું હતું. 35 જેટલા પક્ષીઓનાં બચ્ચાં પોતાના માળામાંથી વૃક્ષ પડવાના કારણે વેર-વિખેર થઈ ગયા હતા. આથી, તેઓને વધુ સારવાર માટે નેચર ક્લબ સુરતના રેસ્ક્યુ સેન્ટર સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:10 દિવસ દરમિયાન 1496 પક્ષીઓની સારવાર કરી બચાવાયા, 27 પક્ષીઓના થયા મોત
દોઢ મહિના સુધી તેમની સારવાર ચાલશે
નેચર ક્લબના વોલેન્ટિયર સમસ્તી પટેલે જણાવ્યું હતું કે, આ પક્ષીઓ વધારે પ્રમાણમાં એક જ વૃક્ષ પર પોતાના માળા બનાવે છે અને વધારે પ્રમાણમાં બાવળના વૃક્ષ પર પોતાના માળા બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી વ્હાઇટ સ્ટોર્ક (white stork) જેવા દેખાય છે અને પક્ષીઓ છીછરા પાણીમાં રહેલા શંખની અંદરની ગોકળગાય અને નાની નાની માછલીઓ ખાવાનું વધારે પસંદ કરે છે. આ પક્ષીઓ તળાવના કિનારે અથવા તો નદીના કિનારે વધુ જોવા મળે છે, હાલ અમે આ પક્ષીઓની કાળજી લઇ રહ્યા છે અને સારવાર પણ કરી રહ્યા છે. દોઢ મહિના સુધી તેમની સારવાર ચાલશે.