સુરતનાં મોટા વરાછા વિસ્તારની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર અંડરગ્રાઉન્ડ પાર્કિંગની દિવાલ ધસી પડતા 8 શ્રમિકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જે પૈકી 4 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.
સુરત: મોટા વરાછા વિસ્તારમાં સિલ્વાસા પેરેડાઈઝમાં ચાલી રહેલા બિલ્ડિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ પાર્કિંગની દીવાલ ધસી પડતા 8 શ્રમિકો જમીનમાં 20 ફૂટ અંદર દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના 10 ફાયર એન્જીનો દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 3 શ્રમિકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે 4 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
4 કલાક બાદ આવેલા મેયરે કહ્યું, તપાસ કરીશું
ઘટના વિત્યાનાં 4 કલાક બાદ સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાળા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં. જોકે, ઘટના બાદ કલાકો સુધી કોઈ સત્તાધીશો ન આવતા સ્થાનિકોમાં એક તબક્કે રોષ જોવા મળ્યો હતો. જોકે, મેયરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકોનો રોષ થાળે પડ્યો હતો.
ઘટનાસ્થળેથી 2 શ્રમિકો જીવતા મળી આવતા તેમને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત જે 4 શ્રમિકોના મૃતદેહ મળ્યાં છે, તેને પણ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગત વર્ષે કતારગામમાં જર્જરિત ઈમારત પડતા શ્રમિકનું મોત નિપજ્યું હતું
ગત 18 જાન્યુઆરી 2020ના રોજ કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર નીતા એસ્ટેટ નામની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ ગયેલા 3 શ્રમિકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. અગાઉ બિલ્ડીંગના ભાડૂઆતો દ્વારા ઈમારત જર્જરિત હોવાની જાણ વકીલ મારફતે કરી ચૂક્યા હતા. તેમ છતાં પાલિકાએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા દુર્ઘટના બની હતી.