- સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરીને ઢગાઈ આચરી
- હીરા વેપારીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- લોભામણી વાતો કરી હીરાના વેપારીની છેતરપિંડી
સુરત: હીરાબાગ ખાતે મૅક્સ એન્ટરપ્રાઈઝના નામથી હીરાની ભાગીદારી પેઢી ચલાવતા અને પાછલા 30 વર્ષથી હીરાનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીનો વિશ્વાસ ભરોસો કેળવી લઈ માનગઢ ચોક ડાયમંડ વર્લ્ડમાં દુકાન ધરાવતા હીરા વેપારીએ પોતે હીરાના મોટા વેપારી હોવાની ઓળખ આપી હતી. ત્યાર બાદ, સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી આપણો વેપાર ઘણો લાંબો ચાલશે તેવું જણાવી, મેક્સ એન્ટરપ્રાઇઝમાંથી વીતેલા એક વર્ષ સમયગાળામાં રૂપિયા 2.55 કરોડ અલગ-અલગ કેરેટના હીરા મેળવી તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. છેતરપિંડી કરનાર વેપારી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. આથી, છેતરપિંડીનો ભોગ બનેલા મેક્સ એન્ટરપ્રાઈઝના હીરા વેપારીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આપણો ઘણો લાંબો ચાલશે તેવી લોભામણી વાતો
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જામબરવાળાના વતની અને હાલ હીરાબાગ વરાછા ખાતે રહેતા મગન કરસન વેકરીયા સહજાનંદ કોમ્પલેક્ષ બીજા માળે મેક્સ એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી ચલાવે છે. દલાલ સુરેશ બાબુ ચોડવડીયા મારફતે વર્ષ 2019માં તેઓ તનસુખ માથા વાણીયાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, તમે અમારી સાથે કામ કરશો તો અમે તમને સમયસર પેમેન્ટ ચૂકવી આપીશું.