- પહેલા દિવસે 16 વોર્ડમાંથી કુલ 1041 લોકોએ દાવેદારી નોંધાવી
- 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન
- અલગ-અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા
સુરત : મનપાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. 30 વોર્ડના 120 બેઠક માટે કુલ 1949 લોકોએ દાવેદારી નોંધાવી છે. પહેલા દિવસે 16 વોર્ડમાંથી કુલ 1041 લોકોએ દાવેદારી નોંધાવી ફોર્મ જમા કરાવ્યા હતા. 55 વર્ષથી વધુ ઉંમરનાએ દાવેદારી ન કરવાની પ્રદેશ પ્રમુખની ટકોરને પણ કિનારે કરી કેટલાક જુના જોગીઓ પણ કિસ્મત અજમાવવા નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઈલ સાથે રજૂ થયા હતા.
સુરત મનપાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે આ વખતે સુરત મનપાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ થઈ ગયું છે ત્યારે સુરત મહાનગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળવા માટે ભાજપના નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન વોર્ડ વૉઇઝ દાવેદારોનાં સેન્સ લેવામાં આવ્યા હતા. સુરતના અલગ-અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા.