સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે એક મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની વિગતો સેલવાસ કલેક્ટરે જાહેર કરી છે. કલેક્ટર સંદીપકુમાર સિંઘે આ અંગે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા 3 મે ના રોજ મુંબઈથી પ્રદેશમાં આવી હતી. જે અંગે આસપાસના લોકોએ સતર્ક બની પ્રશાસનને જાણ કરી હતી. જે આધારે પોલીસ અને પ્રશાસને મહિલાને ક્વોરેન્ટાઈન કરી તેના સેમ્પલ લેબમાં મોકલ્યા હતાં. આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પ્રશાસને હાલ તેમના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પ્રશાસને અને આરોગ્ય વિભાગે આ વિસ્તારને સીલ કરી સેનેટાઇઝ સહિતની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરી છે. જેથી લોકોએ ગભરાવાને બદલે સાવચેત રહી પ્રશાસન અને આરોગ્ય વિભાગને મદદરૂપ થવાની જરૂર છે.