- દાદરા નગર હવેલીમાં ભાજપ-શિવસેના આમનેસામને
- ભાજપે 20 હજારની સરસાઈથી જીત મેળવવાની આશા વ્યક્ત કરી
- ડેલકર પરિવારે ભાજપના ઉમેદવાર પર વિશ્વસઘાતના આક્ષેપો કર્યા
સેલવાસ : 2019માં લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી વિજય મેળવનાર મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી દાદરા નગર હવેલીની લોકસભા પેટાચૂંટણી (UT Dadra Nagar Haveli Lok Sabha by-election )માટે શુક્રવારે ભાજપની (BJP) સામે શિવસેનાના (Shivsena) બેનર હેઠળ સ્વર્ગીય મોહન ડેલકરના (Mohan Delkar) પત્ની કલાબેન ડેલકરે (Kalaben Delkar) ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપે પોતાનો ઉમેદવાર 20,000 મતથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ડેલકર પરિવારે જણાવ્યું હતું કે ડેલકર પરિવાર પ્રદેશના હિત માટે બલિદાન આપતો પરિવાર છે અને જીત તેમની થશે.
મહેશ ગાવીતની જીતશેઃ ભાજપનો વિશ્વાસ
શુક્રવારે દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી મહેશ ગાવિતે (Mangal Gavit) ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે મહેશ ગાવિત ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતાં. ત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, અમે પૂરા વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું છે. રેલીમાં દરેક ગામના લોકો જોડાયા છે. આ ચૂંટણી ભાજપ 20 હજાર મતોની સરસાઈથી જીતશે.
શિવસેના લોકસભા સીટ જીતીને બતાવશે
આ તરફ શિવસેના તરફથી ઉમેદવારી કરનાર કલાબેન ડેલકરના ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે પાલઘરથી આવેલા શિવસેનાના ધારાસભ્ય શ્રીનિવાસ ચિંતામન વાંગએ જણાવ્યું હતું કે, કલાબેન ડેલકરને શિવસેનાનો સંપૂર્ણ ટેકો છે. સ્વર્ગીય મોહન ડેલકર સાથે તેમના પિતાના પારિવારિક સંબંધો હતાં. બંને સાથે ભાજપે દગાખોરી કરી હતી. તે દરમિયાન શિવસેનાએ તેમને ટિકીટ આપી છે. જે રીતે તેઓ પાલઘર સીટ પર વિજેતા બન્યા છે. તેવી જ રીતે કલાબેન ડેલકર પણ દાદરા નગર હવેલીની લોકસભા સીટ જીતીને બતાવશે.
મોહન ડેલકરે જે આત્મહત્યાનું પગલું ભર્યું તે કોના કારણોસર ભર્યું તે લોકો જાણે છે
જ્યારે કલાબેન ડેલકરના અને સ્વર્ગીય મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને ગદ્દાર-વિશ્વાસઘાતીની ઉપમા આપતા ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પિતા મોહન ડેલકરે જે આત્મહત્યાનું પગલું ભર્યું તે કોના કારણોસર ભર્યું તે લોકો જાણે છે. ઐતિહાસિક જીત મેળવ્યા બાદ લોકોના કામ થતાં નહોતાં તેથી તે દુઃખી હતાં. તેમની સપનું હતું કે પ્રદેશના લોકોને રોજગારી મળે, નોકરી મળે, આદિવાસી દિવસની જાહેર રજા મળે, પરપ્રાંતીય કામદારોને રોજગાર મળે તેમના આ જનહિતના કામો માટે તેને પદ છોડવાની ધમકી મળતી હતી. પરંતુ ડેલકર પરિવાર ક્યારેય ઝૂક્યો નથી. આ લોકસભાની પેટા ચુંટણીમાં તેઓ જીત મેળવીને તે તમામ મુદ્દાઓ પર લોકહિતના કાર્યો કરશે.