- ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ કેન્દ્રીય રેલવે પ્રધાન દાદરા નગર હવેલીમાં
- ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે ડૉર ટૂ ડૉર પ્રચાર કર્યો
- મહેશ ગાવિતને મત આપી વિજયી બનાવવા અપીલ કરી, જીતનો દાવો કર્યો
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra And Nagar Haveli)માં આગામી 30 ઑક્ટોબરે લોકસભાનું મતદાન (Lok Sabha Polls) છે. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ કેન્દ્રીય રેલવે પ્રધાન અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) ભાજપના કાર્યકરો સાથે સેલવાસમાં ડૉર ટૂ ડૉર (Door-to-door publicity) પ્રચાર કર્યો હતો, જેમાં મતદારોએ રેલવે સુવિધા પૂરી પાડવાની અને ટિકિટના કાળા બજાર રોકવાની માંગ કરી હતી.
અશ્વિની વૈષ્ણવ 3 દિવસ માટે દાદરા નગર હવેલી આવ્યા
ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય રેલવે પ્રધાન અને ભાજપમાં ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ 3 દિવસ માટે દાદરા નગર હવેલી આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે દશેરાના પાવન પર્વે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર માટે સેલવાસના દયાત ફળિયામાં આવેલા અશ્વિની વૈષ્ણવે મતદારોને ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.
ભાજપની રાજનીતિ સેવા અને વિકાસની
આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, તેમને મતદારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે. ભાજપની રાજનીતિ સેવાની અને વિકાસની રાજનીતિ છે. સેલવાસ ભાજપના મોવડીઓ, કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવાર મહેશ ગાવિતે જણાવ્યું હતું કે, ભાજપે જે વિશ્વાસ મુક્યો છે. જે જવાબદારી સોંપી છે તેમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ પેટા ચૂંટણી ખૂબ મોટા માર્જિનથી જીતશે. જ્યારે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદીની જે કલ્પના છે સૌનો સાથ સૌનો વિકાસ કરવાનો તે પરિકલ્પનાનું આ એક અંગ છે. ભાજપની રાજનીતિ સેવાની અને વિકાસની રાજનીતિ છે. તે વાત મતદારો સુધી પહોંચાડવા આ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ.