સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના સુરંગી ગામે નવનિર્મિત ઇન્ડસ્ટ્રીઝના નિર્માણ કાર્ય દરમિયાન રાત્રિના મૂશળધાર વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 મજૂરના ઘટનાસ્થળે મોત નિપજયાં હતાં. જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું જણાતાં તેને ખાનવેલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલાં તમામ સ્થાનિક સીંદોની ગામના રહેવાસીઓ હતાં અને કંપનીની દીવાલ નજીક ઝૂંપડું બાંધી તેમાં રહેતા હતાં.
મંગળવારે રાત્રે ધોધમાર વરસાદમાં આ દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ જવાથી મજૂરો મોતને ભેટ્યાં હતાં. આ ઘટનાની જાણકારી સેલવાસ ખાનવેલ પોલીસને મળતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઇ વરસતાં વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.