- પ્રાણીઓના આદાન-પ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ન્યુ દિલ્હી દ્વારા મંજુરી
- વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ
- ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે
રાજકોટ:રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા (RAJKOT CORPORATION) ના પ્રાણી ઉદ્યાન અને સુરતના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (CENTRAL ZOO AUTHORITY) ન્યુ દિલ્હી દ્વારા મંજુરી મળેલી છે. જેના થકી વન્ય પ્રાણીના આદાન-પ્રદાન થશે.
તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં રખાશે
જેમાં પ્રથમ તબક્કે રાજકોટ ઝૂ દ્વારા સુરત ઝૂને સફેદ વાઘ જોડી-1, શિયાળ જોડી-1 અને સિલ્વર ફીઝન્ટ જોડી-1 આપવામાં આવેલી છે તેમજ સુરત ઝૂ ખાતેથી જળ બિલાડી જોડી-1 તથા દીપડા જોડી-1 રાજકોટ ઝૂને આપવામાં આવેલી છે. બાકી રહેલા વન્યપ્રાણી-પક્ષીઓનું વિનિમય ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ આ તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલી છે. ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.