- બાળકો પાસેથી રેતી-કપચી ઉંચકાવવામાં આવતો વીડિયો વાઈરલ
- શિક્ષક અને આચાર્યોએ વિદ્યાર્થીઓની મદદ માંગી હોવાનો બચાવ
- જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાયા તપાસના આદેશ
રાજકોટ: બેડલા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટના સામે આવી છે. શાળામાં ચાલી રહેલા બાંધકામના કામ દરમિયાન વિદ્યાર્થીઓ રેતી કપચી ઉપાડીને લઈ જઈ રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગ્રામજનો પણ આ મામલે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પાસે રેતી કપચી ઉંચકાવડાવી
પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ રેતી કપચી સહિતનો કાચો માલ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. જ્યારે, શાળાના શિક્ષક અને આચાર્ય પણ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હાલમાં શાળામાં પરીક્ષાઓ પણ શરૂ છે, ત્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓ પાસેથી મજૂરીકામ કરાવાતું હોવાનો વીડિયો સામે આવતા શાળાના આચાર્ય વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો:સનવાવ ગામના વિદ્યાર્થીઓ ST બસના અભાવે 5 KM પગપાળા શાળાએ જવા મજબુર