- કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની રાજકોટમાં કરશે ચૂંટણી પ્રચાર
- સ્મૃતિ ઈરાની રાજકોટમાં સભાઓ સંબોધિત કરશે
- સભાની સાથે કરશે લોક સંપર્ક
રાજકોટઃરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તમામ પક્ષના પ્રચારકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમજ પોતાના પક્ષ માટે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ભાજપના સ્ટાર પ્રચારક એવા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની રાજકોટમાં સભાઓને સંબોધન કરશે. તેમજ લોક સંપર્ક કરીને અલગ-અલગ વિસ્તારમાં મતદારોને મળશે.
ભાજપના સ્ટાર પ્રચારક: સ્મૃતિ ઈરાની
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક એવા સ્મૃતિ ઈરાની આગામી 17 ફેબ્રુઆરીના રોજ બુધવારે રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે. અગાઉ પણ સ્મૃતિ ઈરાની રાજકોટમાં પોતાની આગવી શૈલીમાં સભાઓ ગજવી ચૂક્યા છે. ત્યારે તેઓ ફરી રાજકોટમાં સભાને સંબોધન કરશે. જેને લઈને રાજકોટ ભાજપમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્મૃતિ ઇરાની કરશે લોક સંપર્ક
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની રાજકોટના વોર્ડ નંબર-13 અને 14માં જાહેર સભાઓ કરશે. જ્યારે વોર્ડ નંબર 7માં લોક સંપર્ક માટે લોકોના ઘરે-ઘરે જશે અને મતદારોને મળશે. અગાઉ પણ સ્મૃતિ ઇરાની રાજકોટમાં સભાઓ ગજવી હતી પરંતુ સ્મૃતિ ઈરાની રાજકોટમાં પ્રથમવાર લોક સંપર્ક કરશે. જ્યારે અન્ય પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજકોટમાં હાલ સભાઓ કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.