રાજકોટઃ રાજકોટમાં હાલ કોરોનાના 59 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. ત્યારે રાજકોટના કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં જાણે કોરોના વાઇરસ અંગે કોઈ ગંભીરતા ન હોય તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં જંગલેશ્વર વિસ્તારના વીડિયો વાયરલ થયા છે. જેમાં કેટલાક યુવાનો ટોળું વળીને પત્તા રમતા જોવા મળે છે અને બીજા વીડિયોમાં કેટલાક લોકો ક્રિકેટ રમતા જોવા મળે છે.
રાજકોટના હોટસ્પોટ વિસ્તારમાં યુવકે બનાવ્યો ટિકટોક વીડિયો, પોલીસે યુવકની કરી ધરપકડ - રાજકોટના તાજા સમાચાર
રાજકોટના જંગલેશ્વર વિસ્તારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. જેમાં યુવાનો લોકડાઉનનું ઉલ્લંધન કરતા જોવા મળે છે. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયો બનાવનારાની ધરપકડ કરી છે.
આ વીડિયો પોલીસના ધ્યાને આવતા રાજકોટની ભક્તિનગર પોલીસ દ્વારા ટિકટોક બનાવનારા ઇસમની ગણતરીની જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વીડિયોમાં દેખાઈ રહેલા યુવાનનોની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના કુલ 59 કોરોનાના પોઝિટિવ કેસમાંથી માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 40થી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. કરફ્યૂ પૂર્ણ થતાં રાજકોટ પોલીસ દ્વારા હજૂ પણ અહીં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ છતાં આ પ્રકારની ઘટના સામે આવતાં હાલ સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ છે.