રાજકોટ સિવિલમાં બ્રેઈન સર્કીટનો ઉપયોગ
કોરોનાના 50 જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવાઇ
રાજકોટ સિવિલમાં બ્રેઈન સર્કીટનો ઉપયોગ
કોરોનાના 50 જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવાઇ
કોરોનાની બીજી લહેરમાં 90 ટકા જેટલો સ્ટાફ કોરોનામાં વ્યસ્ત
રાજકોટઃ જરૂરિયાત/આફત કે મહામારી એ શોધખોળની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં સાચી પુરવાર થઇ રહી છે. વધતા જતા કોરોના કેસોના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી “બ્રેઇન સર્કિટ”નો ઉપયોગ કરીને કોરોનાના 50 જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવી છે.
બ્રેઇન સર્કિટ શું છે?
આ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડૉ. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે કોવિડ-19ના અતિ ગંભીર દર્દીઓની સારવાર કરીએ છીએ. કોરોનાને લીધે ફેફસાને પુરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યક્તિમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ 21% ઓક્સિજન નથી મેળવી શકતો. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં 70થી 100% ઓક્સિજન આપવો પડે છે. તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે.
ગંભીર દર્દીઓને બાય પેપ મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ
ડૉ. જાડેજાએ કહ્યું હતું કે, શ્વાસોચ્છવાસની સમસ્યા અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ ધરાવતા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. અને તેમના માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ હોય છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. વધુ ગંભીર સ્થિતિના દર્દીઓને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓક્સિજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને ICUમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરીયાત વધારે હોય ત્યારે બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે.
બ્રેઇન સર્કિટમાં ઘણો જ ઓછો ઓક્સિજન વપરાય છે
વેન્ટિલેટર સામાન્ય રીતે 50 લિટર જેટલો ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બ્રેઇન સર્કિટમાં ઘણો જ ઓછો ઓક્સિજન વપરાય છે. સામાન્ય રીતે બ્રેઇન સર્કિટમાં 12થી 15 લીટર રાખવો પડે છે, પરંતુ ઓક્સિજન બચાવવાની પદ્ધતિમાં 8 લિટર સુધી પણ દર્દીઓનું ઓક્સિજન લેવલ સુયોગ્ય રીતે જાળવી શકાય છે. બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓક્સિજન લેવલ 95થી 100 સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકનિ્કનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે.
સર્કિટની કિંમત રૂપિયા 800થી 900 જેટલી
દર્દીને વેન્ટીલેટર પરથી ધીમે- ધીમે હટાવીને ઓક્સિજન પર લાવતી વખતે બ્રેઇન સર્કિટનો ઉપયોગ થાય છે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે તેમ ડૉ. ચેતનાબેને જણાવ્યું હતું. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રેઇન સર્કિટમાં બે નળીઓને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે. જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં એક ફૂગ્ગા જેવી રિઝર્વોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રીઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી શકે છે. તેમાં એક HME (Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે. આ સર્કિટની કિંમત રૂપિયા 800થી 900 જેટલી હોય છે.
એનેસ્થેસિયા વિભાગના કુલ 45 જેટલા ડૉક્ટરો સતત કાર્યરત
કોરોનાના અમુક દર્દીઓને CPAP (Continuous positive airway pressure) માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે. એનેસ્થેસિયા વિભાગના હેડ ડૉ. વંદનાબેન પરમાર જણાવે છે કે, હાલમાં એનેસ્થેસિયા વિભાગના કુલ 45 જેટલા ડૉક્ટરો સતત કાર્યરત છે. જેમાં સીનીયર કન્સલ્ટન્ટ, સીનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેરમાં 90 ટકા જેટલો સ્ટાફ કોરોનામાં વ્યસ્ત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ કોવિડ-19ના દર્દીઓ માટે રાતદિવસની પરવા કર્યા વગર ઉત્તમોત્તમ સારવાર આપી રહયો છે. ડો વંદનાબેન પરમારે કહ્યું હતું કે, દરરોજ દિવસમાં 20-30 મિનીટ યોગ, પ્રાણાયમ, તથા ઉંડા શ્વાસની સાથે ઓમકાર કરવા અથવા નિયમિત રીતે સાયક્લીંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.