- રાજકોટમાં કોવિડ હોસ્પિટલના સ્ટાફે કર્યા ગરબા
- કોરોના મહામારીના કારણે ગરબાના મોટા આયોજનો પર છે પ્રતિબંધ
- લોકો ઘરમાં જ રમી રહ્યા છે ગરબે
રાજકોટઃ કોરોના મહામારી હાલ સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેથી તમામ તહેવારો પર કોરોનાની અસર થઈ છે. હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં ગરબા રમવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. જેથી ગરબા રસીકો પોતાના ઘરે જ ગરબા રમીને મોજ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ગરબાની મોજ માણી હતી.
અગાઉ સમરસ કોવિડ સેન્ટરમાં મેડિકલ ઓફિસર પણ રમ્યા હતા ગરબે
શહેરમાં બે દિવસ અગાઉ સમરસ કોવિડ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પણ PPE કીટ સાથે ગરબા કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારે શુક્રવારે ફરી કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા ગરબા રમતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે.
રાજકોટ કોવિડ હોસ્પિટલના સ્ટાફે PPE કિટ પહેરીને કર્યા ગરબા કર્મચારીઓ ફરજ સાથે હોસ્પિટલમાં જ ઘુમ્યા ગરબે
ગુજરાતીઓ માટે ગરબા સૌથી પ્રિય રહ્યા છે. ત્યારે દેશ વિદેશમાં જ્યાં પણ ગુજરાતીઓ રહે છે, ત્યા તેઓ ગરબા રમતા જોવા મળે છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ચાલુ વર્ષે જાહેરમાં ગરબા રમવાની મનાઈ હોય અને મોટાભાગના મેડિકલના કર્મચારીઓ પણ હાલ કામમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી કર્મચારીઓ ફરજ સાથે હોસ્પિટલમાં જ ગરબાની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.