- આજથી એક વર્ષ પૂર્વે નોંધાયો હતો રાજ્યનો સૌથી પહેલો કોરાનાનો કેસ
- તા. 18મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો પ્રથમ કેસ
- પંડિત દીનદયાળ હોસ્પિટલમાં થઈ હતી સારવાર
રાજ્યના પ્રથમ કોરોના દર્દી નદિમ સેવાંગીયા સાથે વાતચીત
રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડત કરી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સામે ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર અને સંક્રમણને કાબૂમાં લેવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી પહેલા કોરોના વાઈરસના લક્ષણો રાજકોટના જંગલેશ્વર વિસ્તારના નદિમ સેવાંગીયા નામના યુવાનમાં જોવા મળ્યા હતા. વિદેશ પ્રવાસ દરમિયાન કોરોના સંક્રમિત થતાં સૌપ્રથમ તેમને 18 માર્ચના રોજ રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ 19 માર્ચના રોજ આવ્યો હતો.
રાજ્યમાં કોરોનાના પ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ
રાજ્યમાં કોરોનાનાં પ્રથમ કેસને આજે એટલે કે 18 માર્ચે એક વર્ષ પૂર્ણ થયું છે. તેવા સમયે આપણા સૌ માટે કોરોનાના આ પ્રથમ દર્દીની કોરોના સંક્રમણથી લઈને સ્વસ્થ થવા સુધીની વિકટ દાસ્તાન જાણવી જરૂરી છે. રાજકોટના આ યુવાને તેમના કોરોનાની સારવાર દરમિયાન સરકાર અને તબીબોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘કોરોનાની હજુ શરુઆત હતી અને મને સંક્રમણ લાગતા હું ડરી ગયો હતો. પરંતુ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખુદ વીડિયો કોલીંગથી મારી સાથે વાત કરી હતી અને મારા ખબર અંતર પૂછ્યાં હતા.
આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશ્નરે લોકોને કોરોના અંગે તમામ તકેદારી રાખવાની કરી અપીલ
કોરોનાથી હવે પહેલા જેવો ડર નથી: નદીમ
રાજકોટના કારખાનેદાર એવા નદીમે વધુમાં જણાવ્યું હતું કે, હાલ તો કોરોનાને એક વર્ષ જેટલો સમય થઇ ગયો છે. તેની દવા અને સારવાર પણ છે. પહેલા જેવો ડર પણ નથી. પરંતુ ત્યારે સ્થિતિ અલગ હતી. મારા પરિવારમાં પણ ચિંતા હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર અને સિવિલના તબીબો અને નર્સીંગ સ્ટાફે સંભાળ લીધી હતી. સારવાર કરનારા તબીબો માટે પણ કોરોનાનો રોગ નવો હતો. મને ખાસ તકલીફ ન હોવાથી લક્ષણો પ્રમાણે સારવાર આપી હતી. સારવાર બાદ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત બનેલા નદીમ જણાવે છે કે, મેં કોરોના મુક્ત થયા પછી મારી જેમ અન્ય સંક્રમિત લોકો માટે પ્લાઝમા ડોનેટ કર્યું છે. હજુ પણ કોરાના ગયો નથી. જો આપણે સૌએ કોરોનાને સંપૂર્ણ રીતે પરાસ્ત કરવો હશે, તો સાવધ રહેવું પડશે અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે માસ્ક પહેરવા જેવી કાળજી પણ અચૂક રાખવી પડશે.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો પ્રથમ કેસ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર રાજ્યનો સૌથી પહેલો કેસ નોંધાયો હતો. ત્યારબાદ આ વિસ્તારના લોકોમાં આરોગ્યની સુખાકારી સાથે કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ચુનારા તે સમયે આ વિસ્તારની કામગીરી સંભાળતા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં કોરાના ટેસ્ટ માટે સેમ્પલ પૂણે મોકલવામાં આવતા હતા. લોકોમાં તે સમયે વધારે ડર હતો અને સાથે જ લોકોમાં જાગૃતિ આવે તે પણ જરૂરી હતું. સરકારની ગાઇડલાઇન મુજબ ટીમ-વર્કથી કામ કરવામાં આવ્યું હતું. 3 મહિનામાં આ વિસ્તારમાં સૌના સહકાર અને પ્રયત્નોથી સ્થિતિ કાબૂમાં આવી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું