- કળિયુગમાં જોવા મળી રામ- લક્ષ્મણની જોડી
- મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી
- નાનાભાઈને ત્રણ વર્ષ પહેલાં થયું હતું ફ્રેક્ચર
- અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
રાજકોટઃ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી સંસ્કાર સીટી હાઇટ્સમાં રહેતા હરિ સુરાણીએ પોતાના નાનાભાઈ હરસુખભાઈને પોતાની કિડની ડોનેટ કરી છે. હાલ બન્ને ભાઈઓની તબિયત બિલકુલ સ્વસ્થ છે. અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હરિભાઈના પરિવારમાં કુલ પાંચ ભાઈઓ છે. જેમાં સૌથી મોટા હરિભાઈએ પોતાનાથી 3 જા નંબરના ભાઈને આ કિડની ડોનેટ કરી છે. હાલના વર્તમાન સમયમાં ભાઈઓ-ભાઈઓ મિલ્કત માટે ઝઘડતા હોય છે, ત્યારે એક ભાઈએ બીજા ભાઈને કિડની ડોનેટ કરતા હાલ સૌ કોઈ પરિવારના સભ્યો પ્રત્યે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
કળિયુગમાં જોવા મળી રામ-લક્ષ્મણની જોડી આ પણ વાચોઃ તમારી કીડનીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખો
અમદાવાદ ખાતે સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું
આ અંગે હરસુખ ભાઈના પુત્ર ડૉ. દર્શન સુરાણીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના પિતા રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમને ફ્રેક્ચર થયા બાદ શરીરમાં કિડનીની પણ તકલીફ સામે આવી હતી અને કોવિડ આવ્યાં પહેલા જ છેલ્લા એક વર્ષથી તેમની કિડનીમાં ડાયાલીસીસની પ્રક્રિયા શરૂ હતી અને બન્ને કિડનીમાં આ અસર જોવા મળી હતી. આ દુઃખ હરસુખભાઈના મોટાભાઈ હરિભાઈથી ન જોવાયું અને તેમને પોતાના નાના ભાઈને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે મંગળવારે અમદાવાદ ખાતે સફળતા પૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું આ પણ વાચોઃ નડિયાદની સિવિલ હોસ્પિટલ કિડનીના દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ
બન્ને ભાઈઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સંપૂર્ણ સ્વસ્થ
હરિભાઈ અને હરસુખભાઈ વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ હાલ બન્નેની તબિયત સ્વસ્થ છે. કિડની ડોનર હરિભાઈને સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે હરસુખભાઈને હજુ 10 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. બન્ને ભાઈઓ સંપૂર્ણ સ્વસ્થ છે. આજના આધુનિક યુગમાં ભાઈ-ભાઈ વચ્ચે મોટાભાગે મિલ્કત બાબતે અથવા અન્ય બાબતોમાં વાદ વિવાદ જોવા મળતા હોય છે, ત્યારે રાજકોટમાં ખરા અર્થમાં રામ લક્ષ્મણની જોડી જોવા મળી છે.
રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી