રાજકોટઃ દેશ અને રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલ પેટ્રીયા સ્યુટ ખાતે કોરોના દર્દી માટે ખાસ કોરોના આયુર્વેદિક કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
દેશનું સૌપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ
રાજકોટ સહિત સમગ્ર રાજ્ય અને દેશ-દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસ સામે ભારતમાં પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરીને આ કેર સેન્ટરને શરૂ કરાવવામાં આવ્યું છે. જે સમગ્ર દેશનું પ્રથમ કોરોના આયુર્વેદિક કેર સેન્ટર છે અને ભારત સરકાર દ્વારા 90 બેડની મંજૂરી આપવામાં આવી છે. તેમજ જે કોરોનાના દર્દીઓને હળવા લક્ષણ હશે, તેમજ જે દર્દીઓને આઈસોલેશનમાં રાખવાની જરૂર હશે તેવા દર્દીઓને રાખવામાં આવશે.
આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં આયુર્વેદિક ડૉક્ટરની ટીમ હેઠળ તેમની સારવાર થશે. અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.