- આજે રામ નવમીની દેશભરમાં કરાઈ ઉજવણી
- એલ. કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી યોજી હતી રથયાત્રા
- રથયાત્રાનો રામદરબાર હજુ પણ જેતપુરમાં સચવાયેલો છે
રાજકોટ: આજે બુધવારે રામ નવમી છે. ત્યારે દેશમાં કોરોનાના કારણે સાદાઈથી રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. વર્ષ 1990માં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીના નેતૃત્વમાં સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રથના સારથી હતા.
ભાદર નદીના કાંઠે ધાર્મિક વિધિવિધાન મુજબ આ રામ દરબારને સ્થાપિત કરવામાં આવ્યો
આ રથયાત્રામાં લોકોના દર્શન માટે રામદરબાર રાખવામાં આવ્યો હતો. તે હાલ રાજકોટ જિલ્લાના જેતપુરમાં છે. ભાદર નદીના કાંઠે આવેલા નરસિંહજીમાં રથયાત્રા સંપન્ન થયા બાદ ધાર્મિક વિધિવિધાન મુજબ આ રામ દરબારને સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રામ દરબારમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિ છે. રામ નવમી નિમિત્તે જેતપુરમાં પ્રભુ શ્રી રામની આરતી કરાઈ હતી. રામ નવમી નિમિત્તે જેતપુરમાં નરસિંહજી મંદિર કે, જયાં આ ઐતિહાસિક રામદરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે, ત્યાં પ્રભુ રામની આરતી કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને લોકોએ આરતીનો લાભ લીધો હતો.
અડવાણીએ યોજેલા રામ દરબારનો રથ આજે પણ જેતપુરમાં છે હયાત આ પણ વાંચોઃ આજે રામમંદિર ભૂમિપૂજનથી વર્ષો જૂનું સપનું સાકારઃ અડવાણી
જેતપુરના તત્કાલીન ધારાસભ્યએ રામદરબારને અમદાવાદથી જેતપુર લાવ્યાં હતા
1990માં તાત્કાલીન વડાપ્રધાન વી.પી. સિંહે મંડલ પંચની અમલવારીની ઘોષણા કરી હતી. તેના સમર્થનમાં અને વિરોધમાં દેશભરમાં આંદોલનો થયાં હતાં. આ બધાની વચ્ચે, ભાજપ અને સંઘ પરિવાર રામ મંદિરના નિર્માણ માટે લોકોનું સમર્થન મળે તેના માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 25 સપ્ટેમ્બર, 1990 ના રોજ, એલ. કે. અડવાણીએ સોમનાથ, ગુજરાતથી રથયાત્રા શરૂ કરી હતી, જે વિવિધ રાજ્યોમાં થઈને 30 ઓક્ટોબરના રોજ અયોધ્યા પહોંચવાની હતી. મંડલ કમિશન રોકવા અને રામ મંદિરના નિર્માણ માટે સમર્થન મેળવવા માટે આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ રથયાત્રાને બિહારમાં રોકવામાં આવી હતી. આ રથયાત્રાના વિસર્જન બાદ રથયાત્રામાં રહેલા રામદરબારને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. આ રામદરબારને જેતપુરના તત્કાલીન ધારાસભ્ય હરિભાઈ જોગી દ્વારા રૂપિયા 70,000 ભરીને અમદાવાદથી જેતપુર લાવ્યાં હતા. આ રામદરબાર પંચધાતુનો બનેલો છે. પંચ ધાતુના બનેલા રામ દરબારની પ્રત્યેક મૂર્તિ અતિ વજનદાર છે. જેને ઊંચકવા માટે પણ 4-5 વ્યક્તિ જોઇએ.
આ પણ વાંચોઃ રામ નવમી નિમિત્તે શ્રી રામ પાસેથી શીખવા જેવી છે આ 5 બાબતો
કોરોનાના કારણે શોભાયાત્રાને મંજૂરી ન મળી
જેતપુરમાં 1942થી રામ નવમીની શોભાયાત્રા નીકળે છે. જે સૌરાષ્ટ્રમાં નીકળતી રામનવમીની શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે. પરંતુ કોરોનાના કારણે ગત વર્ષે અને આ વર્ષે એમ બે વખત આ શોભાયાત્રાને તંત્ર તરફથી મંજૂરી ન મળતા મોકૂફ રાખવામાં આવી હતી. નરસિંહજી મંદિરના મહંત આત્મનંદજી મહારાજે ETV Bharat સાથે સંવાદમાં જણાવ્યું કે, અમે તંત્ર પાસે થોડા જ લોકો સાથે શોભાયાત્રા યોજવાની મંજૂરી માંગી હતી, જોકે, તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહતી. છેલ્લા બે વખતથી રામનવમીના રોજ શોભાયાત્રાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં ન આવતા નરસિંહજી મંદિરના મહંત આત્મનંદજી મહારાજે તંત્ર ઉપર આક્રોશ પણ ઠાલવ્યો હતો.