- સરકારની ઉજવણી સામે કોંગ્રેસનો વિરોધ
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યુ નિવેદન
- આનંદીબેન પટેલને ષડયંત્ર રચીને પદ પરથી હટાવાયા
રાજકોટ: પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં આજે બુધવારે રાજકોટના જંક્શન ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત રેલીનો કાર્યક્રમ યોજાનારો હતો, પરંતુ આ રેલી કોંગી નેતાઓ યોજે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. અંદાજીત 100 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે મહિલા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા આજે મહિલા સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રેલી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ રેલી યોજાય તે પહેલાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી હતી.
પ્રથમ મહિલા મુખ્યપ્રધાનને ષડયંત્ર રચીને પદ પરથી હટાવ્યા: અમિત ચાવડા
રાજકોટમાં કાર્યક્રમ યોજાય તે પહેલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે ભાજપ દ્વારા મહિલા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન એવા આનંદીબેન પટેલને ષડયંત્ર રચીને પદ પરથી હટાવવામાં ભાજપ સરકારે કઈ બાકી રાખ્યું નથી. ત્યારે હવે ગૌરવ દિવસની ઉજવણી કરી રહી છે. જ્યારે ગુજરાતમાં 70 ટકા ગુનાઓ મહિલાઓ પરના અત્યાચારના બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ પ્રકારની ઉજવણી કરવી કેટલી યોગ્ય છે?