ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હતું. જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો અને યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
યુવાનોનો આત્મવિલોપન નો પ્રયાસ આ પૈકી બે યુવાનોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. આત્મવિલોપન વેળાએ ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોવાથી તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો. સમય પર જ પોલીસે આત્મવિલોપન કરી રહેલા યુવાનોને અટકાવી તુરંત સારવાર માટે ખસેડયા હતા.
બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્ર ચૌહાણ, નિલેશ મોહન મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલી બોટલો મોઢે માંડી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
આ વેળાએ બંદોબસ્ત પર રહેલી પોલીસે પાંચે યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમારને વધુ અસર થયેલી હોવાથી રાજકોટ ખસેડાયો હતો. બાવાબારી શેરીમાં વિવાદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા સીલ મારવાનો આદેશ કરાયો હતો પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી સીલ મરાયું હતું. પરંતુ તબાણી પરિવાર દ્વારા સીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કર્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બિન અધિકૃત રીતે 6 માળ સુધીનું બાંધકામ કરાયું હોવા છતાં નગરપાલિકા તંત્રની મીલી ભગતના કારણે બાંધકામ અટકાવાયું નથી. બાવાબારી શેરીમાં અત્યંત સાંકળી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ પણ સર્જાયો હતો.
તાજેતરમાં આજ શેરીમાં એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબારની હત્યા થઈ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ , હિન્દૂ ઉત્સવ સમિતિ , વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્ર વિરુદ્ધ આકરી ટીકા કરી હતી. આગામી સમયમાં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી અને વધુમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવાનોને જો કાઈ પણ થશે તો તંત્રની જવાબદારી રહેશે અને આ મુદ્દે સાંખી લેવાશે નહીં તેવું ઉગ્રતા પૂર્ણ જણાવાયું હતું.