- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ યોજાયો
- શિક્ષણપ્રધાનના હસ્તે 26 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડિઝિટલ માધ્યમથી સંબોધન કર્યુ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19 ડિસેમ્બરે 55મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશેષ હાજરી આપી હતી. તેમજ યુનિવર્સિટીના 26 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. જ્યારે પદવીદાન સમારોહમાં 13 વિદ્યાશાખાના 98 વિદ્યાર્થીઓને 114 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સહિત અન્ય યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ પણ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ, રાજ્યપાલ પદવીદાન સમારોહમાં ડિઝિટલ માધ્યમથી જોડાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 55મો પદવીદાન સમારોહમાં કોરોનાની મહામારીને લઈને ગણનાપાત્ર મહાનુભાવો અને વિદ્યાર્થીઓને જ બોલવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. તેમજ રાજયપાલ દેવવ્રત આચાર્ય ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા. વર્ચય્યુલ માધ્યમથી 14 વિદ્યાશાખાના અંદાજીત 29 હજાર 720 જેટલા પદવીધારકોને સંબોધન કર્યું હતું.
સી.યુ.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીને 4 ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજની MBBSની વિદ્યાર્થીની રિયા શાહને સૌથી વધુ 4 ગોલ્ડ મેડલ, તેમજ આ કોલેજની કવિતા ગઢવીને 3 ગોલ્ડ મેડલ, જ્યારે બાબરાની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થી લાલજી મકવાણાને 3 ગોલ્ડ મેડલ મળ્યા હતાં. યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.