- કોરોના મહામારીમાં સરકારી શાળા અંગેનો ખ્યાલ બદલાયો
- વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે કર્યો સર્વે
રાજકોટઃ કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. શિક્ષણ જગત પર પણ તેની અસર થઈ છે. જેમાં ખાસ કરીને વાલીઓને મૂંઝવણ થાય છે, કે આ મહામારીમાં આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકને સરકારી કે ખાનગી કઈ સ્કૂલમાં મોકલવા કેમ કે, આપણે ત્યાં મોટાભાગે લોકો એવું માને છે કે, ખાનગી સ્કૂલમાં બાળક ભણાવાય, સરકારી સ્કૂલમાં નહીં! કોરોના આવવાથી લોકોની માનસિકતા થોડાં ઘણા અંશે બદલાઈ હોઈ તેવું લાગ્યું છે. કેમ કે, આર્થિક મંદીને કારણે તેમજ સરકારી સ્કૂલની સવલતો અને બદલાતી શિક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં લઈને વાલીઓ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા માટે મોકલવા તૈયાર થયા છે. જેના પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાન ભવનના પ્રોફેસરો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે ડો.ડિમ્પલ રામાણી અને એન.આર.પટેલે કર્યો.જેમાં કુલ 1530 વાલીઓએ ભાગ લીધો હતો.
હાલ સરકારી શાળા પ્રત્યેના વલણો બદલાયા
"સરકારી શાળા" આ શબ્દ સાંભળતાજ આંખોની સામે એક છબી ઉપસી આવે -જૂની થઈ ગયેલી બિલ્ડીંગ, મોટું માટી વાળું મેદાન અને તેમાં થોડા જર્જરિત થઈ ગયેલા બાંકડા, થોડા તૂટેલા બારી બારણાં, ચટ્ટાઈ પાથરેલા ક્લાસરૂમ, નવરા શિક્ષકો, અને વિદ્ધાર્થીઓ લઘરવઘર વેશમાં સાવ ગરીબ ઘરના બાળકો. આમ આ નામ સાંભળતા જ મોં ના હાવભાવ બદલાઈ જાય ખરુને? અને જયારે પણ આ વિષય પર ચર્ચા થતી હોય ત્યારે એના શિક્ષકોને અને સરકાર ને દોષ આપ્યા વિના આપણે રહેતા નથી પણ ક્યારેય વિચાર્યું છે કે આ શાળાઓની આવી હાલત શા માટે છે? આ પરિસ્થિતિ માટે ક્યાંકને ક્યાંક આપણો સમાજ અને આપણે પણ કારણભૂત છીએ.
78% વાલીઓ પોતાના સંતાનને સરકારી શાળામાં પ્રવેશ કરાવવાનું કહે છે.
1) સરકારી શાળામાં પ્રવેશ શા માટે?
- ત્યા ફી હોતી નથી, મફતમાં ભણવાનું હોય છે.
- કોરોના મહામારી દરમિયાન આર્થિક રીતે ધંધા સાવ ભાંગી પડ્યા છે માટે એટલા રૂપિયા નથી કે ખાનગી શાળામાં અમારા સંતાનોને ભણાવી શકીએ.
- ખાનગી શાળામાં વારંવાર શિક્ષક બદલાયા કરે છે સરકારી શાળામાં આ માથાકૂટ રહેતી નથી. બાળક એક કરતા અનેક શિક્ષકો સાથે સમાયોજન કરી શકે છે.
- સરકારી શાળામાં શિક્ષણના સંદર્ભમાં બાળકો પર એટલું બધું ભારણ મુકવામાં આવતું નથી.
- આર્થિક ખેંચ રહેતી નથી.
- અમને અંગ્રેજી આવડતું નથી જેથી સરકારી શાળામાં આવી કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થતી નથી.
- ખર્ચાળ પ્રવૃતી ન હોય જેથી બાળક ત્યાં જ સારી રીતે પ્રવૃતમય રહે છે કેમ કે ત્યા જ સાધનો આપવામાં આવે છે.
- ફોરેનમાં પણ ત્યાંના બાળકો ફ્રી મા શિક્ષણ પ્રાપ્ત કરે જ છે તો અહીં કેમ નહિ?
- આમ જોઇએ તો આપણા દેશમાં સરકારે તો આખા દેશને મફત શિક્ષણની સવલત પૂરી પાડીજ છે પણ આપણે જ આપણાં બાળકોને CBSC અને ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણાવવા છે, વાત રહી શિક્ષકોના ભણાવવાની અને શાળાના મકાનની હાલતની તો જો દરેક બાળક સરકારી શાળામાં જ જાય તો શિક્ષકોને પણ ભણાવવું જ પડે અને શાળાની હાલત પણ સારી થઇ જાય.
- સરકારી શાળામાં પુસ્તકો ખરીદવાની મુશ્કેલી રહેતી નથી.
- સરકારી શાળામાં લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે.
- અમે ખેતરે જઈએ તો અમારા બાળકોને ત્યાં મધ્યાહન ભોજન આપે છે જેથી જમવાનું ટેનશન રહેતું નથી.
- સરકારી શાળામાં શારીરિક સ્વાસ્થ્ય અંગે બાળકો જાગૃતિ મેળવે છે.
3) તમારું બાળક કઈ શાળામાં ભણે છે?
- સરકારી 40 %
- પ્રાઇવેટ 53%
4)કોરોના મહામારીના કારણે તમારા બાળકને ડ્રોપ લેવડાવી દીધો છે?
- હા 60%
- ના 40
5) તમારું બાળક શેમાં અભ્યાસ કરે છે?
- પ્રાઈમરી 38%
- માધ્યમિક 45%
- ઉચ્ચતર માધ્યમિક 17%
6) કોરોના મહામારી પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને તમારા બાળકને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેવડાવ્યો છે?
- હા 78%
- ના 22%
7) તમારા મતે બાળકને કઇ શાળામાં ભણાવવું જોઈએ?
- સરકારી 55%
- પ્રાઇવેટ 45
8) સરકારી શાળાની સવલતો અને બદલાતી શિક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ને તમારા બાળકને સરકારી શાળામાં ભણાવો છો? કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ?
- બદલાતી શિક્ષણ વ્યવસ્થા અને સવલતોને કારણે 48%
- આર્થિક સ્થિતિને કારણે 52
9) પહેલેથી તમારું બાળક સરકારી શાળામાં ભણે છે કે કોરોના મહામારી પછીથી?
- પહેલેથી 42%
- કોરોના મહામારી પછીથી 58%
10) તમારું બાળક ક્યાં માધ્યમમાં અભ્યાસ કરે છે ?
- ગુજરાતી માધ્યમ 45%
- અંગ્રેજી માધ્યમ 55%
11) સરકારી શાળા વિશે મંતવ્યો જણાવો.
- સરકારી સ્કૂલમાં જ બાળકોને ભણાવવા જોઈએ અને નિયમ પણ બનવવો જોઈએ કે, 1થી 12 સુધી જે સરકારી સ્કૂલમાં ભણ્યા હોઇ તેને જ સરકારી નોકરી આપવી.
- સરકારી શાળામાં બાળકો પર પર્સનલી ધ્યાન આપવામાં આવતું નથી.
- સરકારી શાળામાં બાળકોને બધા પ્રકારની સગવડો મળી રહે છે, તેમજ શિક્ષણ પણ ઘણા અંશે સારું હોઈ છે.
- કોરોના મહામારીમાં આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવવો જોઈએ.
- પ્રાઇવેટ સ્કૂલમાં મન ફાવે તેમ ફી લે છે. જ્યારે સરકારી સ્કૂલમાં નિયમ મુજબ ફી લેવામાં આવે છે.
- પ્રાથમિક કક્ષાએથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જેમ કે, નવોદય, એન.એમ.એમ.એસ (જે માત્ર સરકારી શાળાના બાળકો જ આપી શકે છે.)
- પાઠયપુસ્તક, યુનિફોર્મ, અને શિષ્યવૃત્તિ જેવા લાભો પણ સરકારી શાળામાં મળે છે.
- સરકારી શાળામાં નિઃશુકલ નાસ્તાની વ્યવસ્થા અને વર્ષે દાક્તરી તપાસ પણ થતી હોય છે.
12) પ્રાઇવેટ શાળા વિશેના મંતવ્યો જણાવો
- સરકારી શાળામાં બાળક ભણે કે પ્રાઈવેટ માં બધે શિક્ષણ સારું જ છે. કેમ કે, બાળકમાં શીખવાની ધગશ હશે તો તે ગમે તે સ્કૂલમાં ભણતું હશે તે શીખી શકશે.
- પ્રાઇવેટ સ્કૂલની ફી ના પ્રમાણમાં અભ્યાસ એટલો બધો સારો હોતો નથી.
- પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકો બાળકો પર વધુ ધ્યાન આપે છે કેમ કે ધ્યાન ન આપે તો પોતાની સ્કૂલનું નામ ખરાબ થવાની ડર હોઈ છે.
- પ્રાઇવેટમાં બાળકો પર વધુ હોમવર્કનું દબાણ હોઈ છે. જેના કારણે બાળક બીજા કોઈ કાર્યમાં ધ્યાન આપી શકતું નથી. પ્રાઈવેટ સ્કૂલ અને ખાનગી સ્કૂલમાં માત્ર જે સગવડતાઓ મળે છે એમાં અંતર હોય છે.
- પ્રાઇવેટ સ્કૂલમાં લાઈબ્રેરી, લેબોરેટરી, સંગીતના સાધનો, રમત ગમતના સાધનો વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે સરકારી શાળામાં આ વસ્તુઓ ગ્રાન્ટ ઉપર આધારિત હોય છે. જો ગ્રાન્ટ મળે તો આ સાધનો મળે.