ગુજરાત

gujarat

ETV Bharat / city

શુકન-અપશુકનની માન્યતાઓમાં દટાયેલું સૌરાષ્ટ્ર! : સર્વે - રાજકોટ સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને સૌરાષ્ટ્રમાં શુકન ( Omen ) અપશુકન ( Ill Omen )ની માન્યતાઓ અને અંધશ્રદ્ધા ( Superstition )ને લઈને મનોવૈજ્ઞાનિક અભ્યાસ ( Survey OF Saurashtra University ) કર્યો છે. આ સર્વેમાં કુલ 1260 લોકો પર શુકન અપશુકન અંગે શું વિચારી રહ્યા છે, તેના વિશે જાણવામાં આવ્યું હતું. જેમાં, 71.10 ટકા ગામડાના લોકો અને 54 ટકા શહેરી વિસ્તારના લોકો શુકન અપશુકનમાં માનતા હોવાનું સામે આવ્યું છે.

survey of Saurashtra university on good fortune and bad fortune
શુકન અપશુકનની માન્યતાઓમાં અંગે સર્વે

By

Published : Jun 30, 2021, 5:36 PM IST

  • શુકન-અપશુકનની અંધશ્રદ્ધા અંગે કુલ 1260 લોકોનો સર્વે કરાયો
  • પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં અપશુકન વિશે વધુ દ્રઢ માન્યતા
  • એક વ્યક્તિનું અપશુકન બીજી વ્યક્તિ માટે શુકન પણ હોય શકે છે

રાજકોટ: શુકન-અપશુકન વિશે લગભગ બધાંએ સાંભળ્યું હશે. મનોવિજ્ઞાન ભવને ( Survey OF Saurashtra University ) તેના પર સર્વે કર્યો છે કે, વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ છીએ ત્યારે, શુકન ( Omen ) નું મહત્વ ખુબ વધી જાય છે. બિલાડી આડી ઉતરે ( રસ્તો કાપે ) તો સારા કામમાં વિઘ્ન આવશે તેનો એકવાર વિચાર આજે પણ આપણને આવી જ જાય છે. સંસાર માત્ર શુકન અને અપશુકન ( Ill Omen ) ની વચ્ચે છે. શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો, બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા નિશ્ચિત જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

શુકન - અપશુકન સાથે માન્યતાઓ કે અંધશ્રદ્ધા

આપણા સમાજમાં ઘણી માન્યતાઓ કે અંધશ્રદ્ધા, શુકન ( Omen ) - અપશુકન સાથે જોડાયેલી છે. કોઈ એક વ્યક્તિ સાથે અપશુકન ( Ill Omen ) થાય એનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ સાથે સમાન ઘટના ઘટે, આ માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. પરંતુ એકવાર થાય તે દરેક સમયે બને એવુ પણ હોતું નથી. આ બધી અમુક સમયે આપણા મગજમાં ઘર કરી ગયેલી માન્યતાઓ અને આપણા વિચારોનો મતભેદ છે. હકીકતમા, આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, આ બધી વસ્તુ માત્ર માનસિક બીમારી જ છે અને તે યોગ્ય તપાસ અને સારવાર દ્વારા સંપૂર્ણ રીતે મટી શકે છે.

શુકન અપશુકનની માન્યતાઓમાં અંગે સર્વે

અપશુકન વિશે લોકોની માન્યતા અંગે 1260 લોકો પર સર્વે

અપશુકન વિશે લોકોની માન્યતા અંગે 1260 લોકો પર મનોવિજ્ઞાન ભવનના ( Survey OF Saurashtra University ) અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ સર્વે કર્યો છે. જેમાં, 71.10 ટકા ગામડાના લોકો અને 54 ટકા શહેરી વિસ્તારના લોકો શુકન અપશુકનમાં માને છે. આ ઉપરાંત, પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ અપશુકન વિશે વઘુ દ્રઢ માન્યતા ધરાવે છે.

કેટલા ટકા લોકો ધરાવે છે આવી માન્યતાઓ ?

  • 89 ટકા - બિલાડી આડી ઉતરે ( રસ્તો કાપે ) તો અપશુકન થાય એવુ માને છે
  • 92 ટકા - કલકલીયો ઘર પર બોલે તો ઘરમાં કંઈક અજુગતું થાય જ અને ઝઘડાઓ થાય છે. તે અપશુકનીયાળનું પ્રતિબિંબ મનાય છે.
  • 95 ટકા - દૂધનું ઢોળાવવું તેને અપશુકન માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવાનો સંકેત આપે છે.
  • 63.99 ટકા - ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી નથી અને ધાર્મિક તહેવારો વ્યવસ્થિત ઉજવાતા નથી તે મોટુ અપશુકન છે.
  • 45 ટકા - રથયાત્રા નીકળશે અને ભગવાન જગન્નાથ શેરીએ શેરીએ ફરશે એટલે મહામારીનો કોપ ગાયબ થશે.
  • 74 ટકા - રસ્તામાં જતા સાપ આડો ઉતરે તો તે અપશુકન કહેવાય. ( આપણે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીએ છીએ)
  • 69 ટકા - કોઈ સારા કામમાં છીંક આવવી એ અપશુકનની નિશાની ગણાય.
  • 58 ટકા - ઘરના કોઈ સભ્યો બહાર જાય પછી તરત જ કચરો કઢાય નહી, નહીંતર અપશુકન થાય.
  • 64 ટકા - જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો, તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે.
  • 71 ટકા - ઘરની આજુબાજુ કૂતરું રડે તે અપશુકન મનાય છે.
  • 56 ટકા - મહત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરુ શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે. જે અપશુકન ગણાય.
  • 52 ટકા - ઘરની બહાર નીકળતી વખતે જો કાળાં કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સામે મળે તો તેને અપશુકન માનવામાં આવે છે.
  • 67 ટકા - બહાર જતી વખતે કોઈ 'ક્યાં જાવ' એવું કહે એટલે અપશુકન થાય અથવા ધારેલું કાર્ય પાર પડતું નથી. ( કેટલીક વ્યક્તિ બહાર જતા હોય અને કોઈ પાછળથી એવું કહે કે, 'ક્યાં જાવ છો' તો તરત કહેશે કે, આમ બહાર જતા હોઈ ત્યારે 'ક્યાંકારો' શું કરે છે, મારુ કામ બગડશે. )
  • 87 ટકા - બહાર જતી વખતે ચાનું પૂછીએ તો અપશુકન ગણાય. જરૂરી કામ પર જતાં સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે. માટે બહાર જતી વખતે કોઈને જમવાનું કે ચા પીવાનું ન કહેશો તેનાથી અપશુકન થાય છે.

મનોવિજ્ઞાન ભવનમાં ફોન કોલ્સ દ્વારા આવેલા કિસ્સાઓ

1. પ્રશ્ન : કોરોનામાં દીકરીનો જન્મ થવો એ ખરાબ વાત છે ? મારાં દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારથી મારાં દીકરાનો ધંધો ઠપ થઈ ગયો છે. દિકરીનો જન્મ જ ખરાબ છે. બધા કહે છે કે, દીકરી ન હોવી જોઈએ. આ અપશુકનિયાળ છોકરી છે. આનું શું કરવું? અનાથ આશ્રમમા મૂકી આવવાનું મન થાય છે.

જવાબ : દીકરીનો જન્મ એ નસીબદારના ઘરે થાય છે. દીકરી આપશુકનીયાળ ક્યારેય ન હોય શકે. દીકરીને તુલસીનો ક્યારો, ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જન્મ મરણ એ કુદરતના હાથની વાત છે. તમે ખુદ કોઈની દીકરી છો તો તમે તમારા જ દીકરાની દીકરી માટે આવા શબ્દોનો કેમ ઉપયોગ કરી શકો. રહી વાત તમારા દીકરાના ધંધાની, તો આ કોરોના બીમારી અને લોકડાઉન દરમિયાન બધા ધંધા ઠપ થઇ ગયા છે. તમારે એક ને જ નુકસાન થયું છે એવુ નથી. માટે તમારા ઘરમાં પધારેલ લક્ષ્મીને વધાવો. આવી માનસિકતામાંથી બહાર આવો.

2. પ્રશ્ન : આ કોરોનામાં અમારા હજુ હમણાં જ લગ્ન થયાં છે. મારાં પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા. તેને કિડનીનો પ્રોબ્લેમ હતો. જેથી તે સક્ષમ જ ન હતા. પરંતુ મારાં ઘરના અને મારાં સબંધીઓ મારી પત્નીને આપશુકનિયાળ માને છે. હવે કહે છે કે, તારા આ ઘરમાં આવ્યા પછી જ મારો પતિ મરી ગયો. માટે તું અપશુકનિયાળ છો. તારું આ ઘરમાં રહેવું શક્ય નથી.

જવાબ : એક પત્ની એના પતિના ભરોસે તેના સાસરિયામાં પગલા માંડે છે. માટે આ પરિસ્થિતિમાં તમારે તમારી પત્નીનો સાથ આપવો જરૂરી હોય છે. પણ એનો અર્થ એવો નથી કે, તમારા માતાને છોડીને જતા રહો. તમારા માતાને સમજાવો કે, એ કોઈની દીકરી છે, કોઈની બહેન છે. કહો મારી બહેન સાથે કોઈ આવુ વર્તન કરે તો ?, જીવન મરણ કુદરતના નિયમને આધીન છે જ્યાં કોઈનું ચાલે નહીં. બધાને એકવાર જવાનુ જ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે. કોઈ અમર જીવનની પટી લઈને નથી આવ્યું. માટે સમજાવો કે જે વ્યક્તિ જતું રહ્યું છે એ હવે પાછુ નહીં આવે પણ જો તમારી વહુને આવા મેણાટોણા મારી કાઢી મુકશો તો તમારી આબરૂ પર કલંક લાગશે. સાથે તમારા પિતાની બીમારીથી વાકેફ કરાવો કે માત્ર કોરોના એક જ બીમારી તમારા પપાના મૃત્યુનું કારણ ન હતી. તેમની બન્ને કિડની ફેઈલ હતી, જેથી તે હવે ટકી શકે કે બીમારી સાથે લડી શકે એમ ન હતા.

3. પ્રશ્ન : આ મહામારી દરમિયાન માંડ માંડ ધંધા શરુ થયાં. પ્રથમ દિવસ જ ખરાબ. આ બિલાડીએ તો મારું બધું બગાડ્યું. હું જ્યારે ઓફિસે જવા ઘરેથી નીકળ્યો અને વચ્ચે બિલાડી આડી પડી. આ બિલાડી એક તો અપશુકનિયાળ ગણાય જ છે, એમાં મારું બધું બગાળ્યું. ઓફિસે પ્રથમ દિવસે જ અધિકારી સાથે ઝગડો થયો. જેના કારણે હવે હું ખૂબ સ્ટ્રેસમાં રહું છું. હું માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું.

જવાબ : કોઈપણ કાર્ય પાછળ કારણ કોઈપણ હોય શકે. જરૂરી નથી કે તમે જે બિલાડી પર આરોપ મુકો છો એ જ હોય. એમાં કોઈ શંકા નથી કે બિલાડી એ અપશુકનિયાળ મનાય છે. પણ બિલાડીનો જન્મ એ પણ કુદરતી નિયમોને આધીન છે. તો બિલાડી સાથે કશુક થાય તો એ આપણને અપશુકનીયાળ માનતી હશે ને ?, આપણને મનુષ્ય અવતાર મળેલો છે તો એનો અર્થ એ નથી કે બીજા કોઈ પ્રાણીમાં જીવ નથી. ઘણીવાર જવાબદાર આપણે હોઈએ છીએ અને આરોપો બીજા પર મૂકીએ છીએ. જેને મનોવિજ્ઞાનની પરિભાષામાં આરોપણ પ્રયુક્તિ કહેવાય છે. આ આપણા વિચારોની માન્યતાઓ છે. માટે તમે ચિંતા નહી કરો અને ફરીથી ઓફિસે જવાનું શરુ કરી દો. તમારો પરિવાર મહત્વનો છે. ઝગડો નહીં.

4. પ્રશ્ન : મારા દીકરાનો જન્મ થયો ત્યાર પછી અમારા ઘરમાં બધું સારું સારું થતું હતું. પણ હવે મારા સાસુને એમ થાય છે કે, મારા દીકરાના જન્મના કારણે આ બધું થાય છે. ઘણીવાર એવું કહે કે, ઘરમાં તારા દીકરાના કારણે જ બધુ બગડે છે.

જવાબ : તમારા દિકરાના કારણે પેલા બધું સારું થતું જ હતું. અત્યારે કાઈ થાય છે તો એ પરિસ્થિતિના કારણે કંઈક નાનું મોટું થાય આમા તમારા દીકરાના જન્મના કારણે નહીં પરંતુ તમારી નબળી માનસિકતાને કારણે આ બધું થાય, અને તમારા સાસુને સમજાવો કે આ બધું થાય બધાના ઘરમાં એવું થતું હોય છે અને કહો કે, થોડા દિવસમાં સારું થઈ જશે. કોઈ વ્યક્તિના જન્મ કે જન્મ પછી કાઈ નાનું મોટું ઘરમાં થાય તો જે બનવા જોગ હોય એ બને જ. આમ કોઈ વ્યક્તિના જન્મને આપણે અપશુકનિયાળ ન કહી શકાય.

5. પ્રશ્ન : જ્યારે પિરિયડ્સમાં હોય ત્યારે કોઈ વસ્તુ ઘરમાં અડવાની નહીં. બધું અલગ જ રાખવાનું હોય છે. મારુ બાળક હજુ 8 મહિનાનું છે. મારા ઘરના મને મારા બાળકને રમાડવાની ના પાડે છે. હવે એ તો બાળક છે સ્વાભાવિક છે. બાળક માં વગર ન રહી શકે, અને આટલું નાનું બાળક માં વગર કેમ રહે, ઘણીવાર રડતું હોય છતાં મને તેને અડવા નથી દેતા. એક માં તરીકે મારા બાળકને આમ રડતું જોઇ શકાતું નથી.

જવાબ : સૌ પ્રથમ તો તમારા ઘરના સભ્યોને સમજાવો કે, પીરિયડ્સએ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં બાળકને આમ દૂર કરવું યોગ્ય નથી. કેમ કે, વધુ વખત એવું થશે તો એ બીમાર પડી શકે છે, અને આમ પીરિયડ્સ હોય ત્યારે કઈ થાય નહીં માટે બાળકને મારાથી દૂર ન કરો અને એને શાંતિથી મારી પાસે રહેવા દો.

6.પ્રશ્ન : શું સ્ત્રી જન્મ એ કોઈ ગુનો છે ? અમારા ઘરમાં એવો રિવાજ છે કે, અમારે બધાને ક્યાંક બહાર જવાનુ થાય ત્યારે અમારે લોકોએ 1 કલાક પહેલા તૈયારી કરવી પડે છે. એટલે કે અમારે સરસ અને વ્યવસ્થિત તૈયાર થઈને અને સાજ શણગાર સજીને જ જવાનુ. અમારે જવું ન હોય તો પરાણે સાથે જવાનુ. મુખ્ય કારણ કોણ તો કે અપશુકન. આ લોકોને અપશુકનના ભયના કારણે એટલે કે આ લોકોનું માનવું એવું છે કે આ લોકો સામે જો બિલાડી આડી ઉતરે અથવા દૂધ વાળો સામે જોવા મળે અથવા કોઈ કાળા કપડાં પહેરેલી વ્યક્તિ સામે આવે તો અમે સાથે હોય તો આ લોકોને કોઈ વિઘ્ન ન આવે અથવા અપશુકનની અસર જ ન થાય. આ એક પ્રકારનો અમારો ઉપયોગ કરે છે.

જવાબ : તમારી વાત સાચી છે કે, આ એક પ્રકારનો ઉપયોગ થયો કહેવાય. પણ હું તમને એક વાત કહું. ઘણી સ્ત્રીઓ એવી છે જેને ઘરની બહાર નીકળવા મળતું નથી, બહાર જવા દેવામાં આવતી નથી, ચાર દીવાલની વચ્ચે જ રહેવાનું, નહીં ફરવા જવાનુ કે નહીં બહારની દુનિયા જોવાની. આવો એક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. અહીં તમને કોઈ એક નિષેધક કારણને લીધે બહાર જવા તો મળે છે. બહારની દુનિયા તો જોવા મળે છે. તમે સ્વસ્થ રહી શકો છો. બીજાનું જોઈને અમુક બાબતો શીખી શકો છો. અમુક બંધનમાંથી મુક્ત તો છો. આપણા પરિવાર માટે જ કરવું તો હકારાત્મક વિચારો રાખવા.

શું આ તમે જાણો છો?

ABOUT THE AUTHOR

...view details