રાજકોટ: ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે "રાજ્યના નાગરિકોની સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે જેમાં અસામાજિક તત્વોને કડક સજા થાય અને ચોરી/ધાડ અટકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સરાહનીય કામગીરી થઇ રહી છે. રાજકોટ LCB દ્વારા કાસ્ટિંગની ચોરી/ધાડ પાડતી આંતરરાજ્ય મેવાતી ગેંગના 15 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે જે અભિનંદનને પાત્ર કાર્ય છે."
આ આંતરરાજ્ય મેવાતી ગેંગ દ્વારા 10 રાજ્યોમાં ચોરી કરી હોવાની કબૂલાત પણ સભ્યોએ આપી છે. આ તમામ સભ્યો સામે ધાડપાડુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગની ધાડ માટેની સ્ટ્રેટેજી એવી હતી કે કોઈપણ ખાનગી કે સરકારી કામ ચાલતું હોય ત્યાં તેઓ ટ્રક દ્વારા કાસ્ટિંગની પાઇપોની ચોરી કરી લેતા જેથી કોઈને ખ્યાલ જ ન આવે કે આ લોકો ચોરી કરી રહ્યાં છે કે માલ સામાન ભરવા કે ઉતારવા આવ્યા છે.