રાજકોટઃ કેન્દ્ર સરકારે મંગળવારે અંબિકાપુર (છત્તીસગઢ), રાજકોટ, સૂરત, મૈસૂર, ઈન્દોર અને નવી મુંબઈને '5-સ્ટાર કચરામુક્ત શહેરો' તરીકે જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના બે જ શહેરનો સમાવેશ થાય છે. આ અંગે ETV ભારત સાથેની વાતચીતમાં રાજકોટ મનપા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ જ્યારે આ પ્રકારનું સર્વેક્ષણ થયું ત્યારે રાજકોટને પણ ત્રણ સ્ટાર મળ્યાં હતાં. પરંતુ રાજકોટ મનપા દ્વારા સતત શહેરમાં નવી નવી પદ્ધતિઓને વિકસાવી, તેમ જ માઇક્રોપ્લાનિંગ કરીને જે અગાઉ ભૂલ કરી હતી તે સુધારી અને ડોર ટુ દોર સર્વે કર્યો જેનું આ પરિણામ છે.
રાજકોટમાં હાલ જાહેરમાં થૂંકવું, તેમ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથલીઓનો ઉપયોગ કરવો એ તમામ બાબતો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ રાજકોટમાં કચરો પણ સૂકો અને ભીનો એમ અલગ અલગ બે પ્રકારની કચરાપેટીમાં નાખવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે રાજકોટમાં ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ જીપીએસ સિસ્ટમ ગોઠવામાં આવી છે. જેને લઈને આ ગાડીઓ પોતાના રૂટ પર વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે છે. આ કચરાગાડી રાજકોટમાં દિવસભર ફરીને ઘરે ઘરે જઈને કચરો એકઠો કરે છે. ત્યારબાદ રાજકોટમાં રૈયારોડ અને આજીડેમ નજીક બે જગ્યાએ આ કચરો એકઠો કરીને તેમાંની ભીનો અને સૂકો કચરો અલગ કરવામા આવે છે. આમ આખી એક અલગ પદ્ધતિ વડે કચરાનો નિકાલ કરવાનું કામ થાય છે.