- કોરોના સંક્રમણ વધતા ફરી લોકડાઉન આવે તેવો બંગાળી કારીગરોમાં ડર
- ફરી લોકડાઉન થાય તો કારીગરો ચાલ્યા જશે વતન
- પ્રથમ લોકડાઉન બાદ 50% કારીગરો પરત આવ્યા નથી
- એક લાખથી વધુ કારીગરો કરતા હતા કામ
રાજકોટઃદેશમાં કોરોના આવ્યો તે પહેલા રાજકોટના સોની બજારમાં એક લાખ કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરતા હતા પરંતુ કોરોના આવ્યા બાદ પ્રથમ લોકડાઉન થયું અને તેમાં તમામ કારીગરો પોતાના વતન પરત ફર્યા હતા. જ્યારે કોરોના કેસમાં ઘટાડો થતાં લોકડાઉન પૂર્ણ થયું ત્યારબાદ ફરી રાજકોટની સોની બજારમાં અંદાજિત 50 હજાર કારીગરો પરત ફર્યા હતા અને પોતાના ધંધા રોજગારમાં લાગ્યા હતા. હાલ જે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેને લઈને હવે ફરી આ બંગાળી કારીગરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોની બજારના 50 હજાર કારીગરો થશે બેકાર
રાજકોટની સોનીબજાર એ એશિયાની સૌથી મોટી સોની બજાર માનવામાં આવે છે ત્યારે આ સોની બજારમાં બંગાળમાંથી મોટાભાગના કારીગરો કામ કરવા માટે અહીં આવે છે. હાલ રાજકોટની સોની બજારમાં 50,000 જેટલા બંગાળી કારીગરો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં જે રીતે વધારો જોવા મળી રહ્યો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તો 50 હજાર કરતાં વધુ બંગાળી કારીગરો પોતાના વતન પરત ફરશે અને બેરોજગાર બનશે. જોકે હાલ જે કોરોનાની પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી તેને લઈને આવું પણ લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં લોકડાઉનની આવશ્યકતા પડી શકે છે.