- ઉપલેટામાં કોરોના પ્રસરતો રોકવા લેવાયો સ્વયંભૂ બંધનો નિર્ણય
- 09 એપ્રિલથી 17એપ્રિલ સુધી સ્વયંભૂ બંધનો નિર્ણય લેવામાં આવ્યો
- સાંજના 05 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી
રાજકોટ:રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરના વિવિધ વેપારી મંડળો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, કોરોનાને પ્રસરતો રોકવા માટે 09 એપ્રિલથી 17 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ પાળવાનો રહેશે. જેમાં તમામ વેપારીઓ સાંજના 05 વાગ્યા સુધી જ પોતાનો વેપાર ધંધો કરી શકશે, એટલે કે સાંજના 05 વાગ્યાથી સવારના 09 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની રહેશે. તેવું ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઉપલેટામાં કોરોના પ્રસરતો રોકવા લેવાયો સ્વયંભૂ બંધનો નિર્ણય આ પણ વાંચો:પાલનપુર બાદ ડીસાને પણ શનિ અને રવિ સ્વયંભૂ બંધ રાખવાનો કરાયો નિર્ણય
મેડિકલ સેવા સિવાયના તમામ વેપારીઓ જોડાશે સ્વયંભૂ બંધમાં
માત્ર લુઝ દુધનો વ્યવસાય કરનારાઓને સાંજે 08:30 સુધી પોતાની દુકાન ખુલ્લી રાખશે, તેવું વેપારી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. તે સિવાય પેકીંગ (કંપની)ના દુધનું વેચાણ કરનારાઓને સાંજે 05:00 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત મેડિકલ સેવાઓને લગતી દુકાનો રાબેતા મુજબ ચાલુ રહેશે. વિવિધ વેપારી મંડળો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ જે રીતે કોરોનાનો રોગચાળો બેફામ રીતે વકરતો હોય અને આ રોગ હવે બાળકોમાં પણ પ્રસરવા લાગતા આપણા તેમજ આપણા પરિવારજનોના હિતને ખાતર લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ
વેપારીઓને સહકાર આપવા વિનંતી કરવામાં આવી
ઉપલેટાના વેપારી મંડળ દ્વારા કોરોનાની ગંભીરતા સમજીને દરેક વેપારીઓએ સાથ સહકાર આપવા અપીલ કરી હતી અને વેપારી મંડળ દ્વારા ઉપલેટાના શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે, માસ્ક પહેર્યા વગર ઘર બહાર ન નીકળવું તેમજ જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું. દરેક વેપારીઓએ પણ માસ્ક પહેરવું તથા આવનારા ગ્રાહકે માસ્ક પહેરેલું હોય તો જ તેની સાથે વેપાર કરવો. દરેક વેપારીઓએ પોતાની દુકાનમાં સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી. શક્ય હોય તો ટેમ્પરેચર ગન (મશીન) રાખવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા કરાવવું. વહીવટી તંત્રને સાથ અને સહકાર આપવો. ઉપરોકત નિર્ણયો કોરોનાની ચેઈન તોડવા માટે છે, તેથી દરેકે સાથ અને સહકાર આપવો.