રાજકોટમાં છેલ્લા અઢીવર્ષથી કામ કરતી શેર વિથ સ્માઈલ સંસ્થાના ફાઉન્ડર કપિલ પંડયાએ Etv Bharat ને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના બાળકો એજ્યુકેશનથી વંચિત ન રહે તે માટે અમે આ NGO શરૂ કરી હતી. ત્યારબાદ આ બાળકોને NGO દ્વારા વિનામૂલ્યે એજ્યુકેશન કિટનું પણ વિતરણ કરવામાં આવતું જેને લઈને વધુમાં વધુ બાળકો શહેરની અલગ અલગ વિસ્તારની આંગણવાડીમાં શિક્ષણ માટે જોડાતા ગયા.
PM મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરતી રાજકોટની 'શેર વિથ સ્માઈલ સંસ્થા'
રાજકોટ: PM મોદી દ્વારા દેશમાં કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ શેર વિથ સ્માઈલ નામની એનજીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારના કુપોષિત બાળકોના માતાપિતાનો સંપર્ક કરી તેમના બાળકોમાંથી કુપોષણ દૂર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ NGO દ્વારા છેલ્લા 2 વર્ષમાં 55 જેટલા અતિ કુપોષિત બાળકો તેમજ 42 જેટલા મધ્યમ કુપોષિત બાળકોમાંથી સંપૂર્ણ કુપોષણ નાબૂદ કર્યું છે.
આ કાર્ય દરમિયાન અમને જાણવા મળ્યું કે, આ પ્રકારના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળતું હતું અને ત્યારબાદ અમે આ બાળકોમાંથી સંપૂર્ણપણે કુપોષણ નાબૂદ થાય તે માટેનું કાર્ય શરૂ કર્યું. હાલ અમારી સંસ્થામાં કુલ 30 આંગણવાડીના 200 કરતા વધારે બાળકો છે. જે તમામ બાળકોનું શહેરના નામાંકિત ડૉક્ટર દ્વારા નિયમિત મેડીકલ ચેકઅપ કરીને આ બાળકોને જરૂરી પ્રમાણમાં ન્યુટ્રિસીયન્સ પાવડર અને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેમજ તેમાંથી કેટલા પ્રમાણમાં કુપોષણ નાબૂત થયું તેની નોંધ પણ કરવા આવે છે.
રાજકોટમાં જ્યારે પણ NGO દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજાય ત્યારે આસપાસના ગરીબ અને પછાત વર્ગના બાળકોને એજ્યુકેશન કિટ પણ મારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા બાળકો માટે વિનામૂલ્યે કામગીરી કરવામાં આવે છે. તેમજ રાજકોટ જિલ્લાના બાળકોમાંથી સંપૂર્ણ પણે કુપોષણ નાબૂદ થાય તે માટેની અમે નેમ લીધી છે.