- બાળકો અને યુવાનોના IQ તો વધ્યા પરંતુ EQ ઘટ્યા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનથી કરાયું રિસર્ચ
- વિવિધ કેસ સ્ટડીના આધારે તારણ કાઢવામાં આવ્યા હતા
રાજકોટ : વ્યક્તિમાં ભાવનાત્મક બુદ્ધિ અને આવેગિક બુદ્ધિ (EQ) બન્ને હોવી જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આધ્યાપક ડૉ. ધારા દોશી અને વિદ્યાર્થિની ધારા હિરપરાએ કરેલા રિસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, અભ્યાસ તેમજ રોજિંદા જીવનમાં ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી બાળકો અને યુવાનોની ભાવનાત્મક બુદ્ધિ (IQ) વધી હોવાનું અને આવેગિક બુદ્ધિ (EQ) ઘટી હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનાત્મક બુદ્ધિ (IQ) અને આવેગિક બુદ્ધિ (EQ) શું છે ?
વ્યક્તિ પોતાની લાગણીઓ, ભાવનાઓ સાથે પોતાના આવેગોનું નિયંત્રણ, નિયમન કે વ્યવસ્થાપન કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તેના પર તેની સફળતા કે અસફળતાનો આધાર રહેલો છે. આ પ્રકારની શક્તિને મનોવિજ્ઞાનની પરિભાષામાં આવેગિક બુદ્ધિ એટલે કે EQ કહેવામાં આવે છે. હાલમાં IQ નું સ્થાન હવે EQ એ લીધું છે. આવેગિક બુદ્ધિ (EQ) વ્યક્તિની આંતરિક સ્ફૂર્ણની, મૂલ્યાંકન કરવાની, સમજણની તથા સામર્થ્યનો ઉપયોગ કરવાની એક શક્તિ છે. જેમાં વ્યક્તિ પોતાની સાથે સાથે અને અન્ય વ્યક્તિઓની પ્રેરણા, ઇચ્છાઓ, આવેગો, લાગણીઓ અને જરૂરિયાતોને સમજી શકે છે. વ્યક્તિ જ્યારે પોતાના આવેગોની સાથે અન્યના આવેગોને સમજી શકે અને વ્યવસ્થાપન કરી શકે ત્યારે જ સામાજિક અને વ્યક્તિગત જીવનમાં સફળ થઈ શકે છે પરંતુ કેટલાક સમયથી બાળકો તથા યુવાનોમાં ઘટતુ તેનું પ્રમાણ તેમની સફળતાને રૂંધી નાખી છે તેમ કહી શકાય. બાળકો જેને કોઈ ખીજાય તો તેનાથી સહન નથી થતું, યુવાવર્ગ જો કોઈ રોકટોક કરવામાં આવે તો આત્મહત્યા તરફ પ્રેરાય છે, નિષ્ફળતા પચાવી શકતા નથી અને આવેગશીલ બનીને ખોટું પગલું ભરી બેસે છે. પોતાની વાતને સાચી બતાવવા ઘણા તર્ક રજૂ કરે છે. જે ક્યારેક ખોટા પણ હોય છે.
લાલબત્તી સમાન કિસ્સાઓ
બાળકો અને યુવાનોમાં બુદ્ધિ ભલે ઘણી વધી ગઈ હોય પરંતુ લાગણીઓ અને આવેગો ઘટ્યા છે. મિત્ર પાસે રોફ જમાવવા, પોતાની જરૂરિયાત પૂરી કરવા વ્યક્તિ પોતાની બુદ્ધિ તો વાપરે છે પણ કોઈની લાગણી, આવેગ સમજી શકતા નથી. આવા કિસ્સાઓ આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગે ઘણું શીખવી જાય છે.
કિસ્સો: 1
5 વર્ષછી અભ્યાસ કરવા માટે કોલકાતા રહેતો યુવાન જ્યારે ઘરે આવતો હતો, ત્યારે તેને કોઈની સાથે ગમતું ન હતું. માતા પિતા કંઈ કહેતા તો એ વાત તેને ટોર્ચર સમાન લાગતી હતી અને ઘર છોડીને જતું રહેવાની ઈચ્છા થતી હતી. આ યુવક કાઉન્સેલિંગ માટે મનોવિજ્ઞાન ભવન ખાતે આવ્યો હતો. જ્યાં તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કિસ્સો: 2
એક યુવકે સ્વિકાર્યું છે કે, તેણે ઘણી છોકરીઓને બુદ્ધિથી પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે પ્રેમ સંબધ સ્થાપિત કર્યા હતા. એ દરેક છોકરીને અલગ અલગ વાતો કહીને પોતાની વ્યક્તિ બનાવી મિત્ર વર્તુળોમાં રોફ જમાવતો કે મારે ઘણી ગર્લ ફ્રેન્ડ છે. અમુક સાથે તેણે શારીરિક સંબંધો પણ હતા પણ હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તેને વિચારો આવે છે કે ક્યાંક તેનો ઇતિહાસ ખબર પડી જશે તો એ શું કરશે?