- ટૂંક સમયમાંથી તૈયાર થઇ કોવિડ હૉસ્પિટલ
- બધી જ સુવિધાથી સજ્જ છે હૉસ્પિટલ
- 6 તબીબો અને 150 પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે
રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં પણ વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયાસ થઇ રહ્યાં છે. સમરસ બોયઝ હોસ્ટેલની અંદર 1,000 બેડની કોવિડ કેર સેન્ટર અને ડેડિકેટેડ હેલ્થ કોવિડ કેર સેન્ટરમાં ઑકિસજન બેડની બહુ મોટી વ્યવસ્થા ટૂંકા ગાળામાં ઉભી કરવામાં આવી છે,
ઑક્સિજનની હાલમાં પુષ્કળ માંગ
અત્યારે ઑક્સિજનની માંગ પુષ્કળ રહેવાથી સમરસ હોસ્ટેલને સંપૂર્ણપણે ઑક્સિજનની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવી દેવાનું તાત્કાલિક નક્કી કરાયુ. યુધ્ધના ધોરણે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને અધિક કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ઓકિસજનની સુવિધાવાળા 1,000 બેડની કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ હેલ્થ કોવિડ કેર સેન્ટર બેડ તૈયાર થઇ ગયા છે અને આજની તારીખે તમામ બેડ ભરેલા છે. ઑકિસજન ફેસેલિટીની ફિટિંગ માટે શક્તિમાન ઇન્ડ્રસ્ટ્રીઝ લી.ના હસમુખસિંહ ગોહિલનો સહયોગ લેવામાં આવ્યો છે. લાઇફ લાઇન પ્રા.લીમીટેડ દ્વારા તાત્કાલિક ઑક્સિજનની સુવિધા ઉભી કરાઇ છે.
વધુ વાંચો:રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, છેલ્લા 24 કલાકમાં 13,105 કેસ, 137ના મોત
ઑક્સિજનની 8 ટેન્ક કે જે 8,000 લિટરની ક્ષમતા
આ સેન્ટર ઑક્સિજનની 8 ટેન્ક કે જે 8,000 લિટરની ક્ષમતા ધરાવે છે. તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ઉપલબ્ધ કરાવાઇ છે. સમરસમાં તબકકાવાર ઑક્સિજનની સુવિધા વધારવાની કામગીરી ચાલી રહી છે. આમ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનુ ભારણ ઘટાડવા માટે સમરસ હોસ્ટેલનું કોવિડ કેર સેન્ટર ખુબ ઉપયોગી પુરવાર થઇ રહ્યું છે. ઑક્સિજન સપ્લાય મેન્ટેન્સની કામગીરી ડૉ. કેતન પીપળિયાના મોનિટરિંગ હેઠળ થાય છે. ટૂંકા ગાળામાં ઑક્સિજન ફેસેલિટીની પાઇપલાઇન ફિટિંગ માટે રૉ-મટિરિયલ્સની વ્યવસ્થા ઉભી કરાઇ છે. દર્દીઓનું તમામ પ્રકારનું નિદાન-સારવાર મેડિકલ અને પેરા-મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
6 તબીબો અને 150 પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે
આ સેન્ટર પર આશરે 6 તબીબ અને 150 પેરા મેડિકલ સ્ટાફ, ઑકિસજન ઓપરેટર્સ, અંદાજે 200 હાઉસ કીપિંગ અને એટેન્ડન્સ સ્ટાફ સતત રાત-દિવસ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. મોટા ભાગના સ્ટાફની ભરતી તાત્કાલિક ધોરણે એજન્સી મારફતે કરવામાં આવી છે. દર્દીઓને નિદાન-સારવાર, ઓકિસજન, ડાયટિશિયનને નક્કી કરેલુ પૌષ્ટિક ભોજન બપોરે અને રાત્રે તેમજ સવારે અને સાંજે નાસ્તો બધુ જ વિના-મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. વૃધ્ધ લોકો માટે પણ વિશેષ સુવિધા છે. દર્દીને ડાયપર પહેરાવવાથી લઇ ખવડાવવા સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. 224 રૂમમાં સીસીટીવી કેમેરાથી દર્દીઓને વિશેષ સુવિધા પ્રાપ્ત થશે. સમરસ કોવિડ કેર સેન્ટરના સાત માળમાં 224 રૂમ આવેલા છે.
વધુ વાંચો:પુત્રનું ધ્યાન રાખવા પત્ની સવારે, તો પતિ રાત્રે એમ્બ્યુલન્સમાં બજાવે છે ફરજ
દર્દીઓનું થાય છે લાઇવ મોનિટરિંગ
દર્દીઓની જરૂરિયાત અને લાભાર્થે રીયલ ટાઇમ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ(સીસીટીવી કેમેરા) ઉભી કરાઇ છે. અધિકારીઓ દ્વારા દરેક દર્દીઓના રૂમનું મોનિટરિંગ કરી શકાશે. દર્દીઓ સાથે વાતચિત પણ થઇ શકશે. આ સાથે જ મ્યુઝિક થેરાપીથી દર્દીઓને નવી ઉર્જા પ્રાપ્ત થશે. સમરસ કોવિડ કેર સેન્ટરના સાત માળમાં આવેલા તમામ ૨૨૪ રૂમોમાં મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જેના પગલે ધાર્મિક ભજન-કિર્તન વગેરે દર્દીઓ સાંભળી શકશે. અને તેઓને માનસિક અને આધ્યાત્મિક ઉર્જા મળી શકશે. દાખલ થતાં નવા દર્દીઓને અપાય છે વેલકમ કીટ સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતાં નવા દર્દીઓને વેલકમ કીટ આપવામાં આવે છે. જેમાં દર્દીઓએ કાળજી રાખવાની માહિતીના પેમ્ફલેટ, બ્રશ, ટુથપેસ્ટ, ઉલિયુ, સાબુ, નેપકિન, પાણીની બોટલ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.
પેશન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા દર્દીઓના સગાને કરાય છે જાણ
પેશન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા દર્દીઓની સ્થિતિ વિશે જાણ કરવામાં આવે છે. જ્યાં 7 જેટલા શિક્ષકો દ્વારા દર્દીઓની સ્થિતિ વિશેની માહિતી દર્દીઓના સગાઓને આપવામાં આવે છે. દરરોજ ડોકટર્સ દ્વારા ૩ રાઉન્ડ થકી દર્દીઓની તબીબી સ્થિતિની ચકાસણી કરમાં આવે છે અને તેના આધારે સાતેય ફલોર ઉપરના ફલોર મેનેજર દ્વારા પેશન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના શિક્ષકોને દર્દીના સ્ટેટસ વિશેની માહિતી પૂરી પાડવામાં આવે છે. સગાઓ દ્વારા દર્દીઓને સામાન પહોંચાડવા અલાયદો પાર્સલ વિભાગસમરસ હોસ્ટેલમાં દર્દીઓને જોઇતો સામાન, ભોજન તેમના સગાઓને આપી જાય છે.