- કોરોનાના જીવલેણ રોગ સામે RSSના સ્વયંસેવકો આગળ આવ્યા
- PPE કીટ પહેરી કરે છે દર્દીઓની સેવા
- સ્વયંસેવકોમાં બિલ્ડર, વેપારી, વિદ્યાર્થી સ્વયંસેવકો પણ શામેલ
સુરત : કોરોનાના જીવલેણ રોગ સામે સુરત સિવિલ હોસ્પિટલમાં 1200થી વધુ દર્દીઓ જિંદગીનો જંગ લડી રહ્યા છે. હોસ્પિટલમાં પણ સ્ટાફની અછત છે, ત્યારે મેડિકલ સ્ટાફની મદદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવકો આગળ આવ્યા છે. આશરે 8 કલાક સુધી PPE કીટ પહેરીને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે આશરે 30થી વધુ RSSના સ્વયંસેવકો બીમાર દર્દીની સેવા કરી રહ્યા છે. જેમાં બિલ્ડર, વેપારી, વિદ્યાર્થી સ્વયંસેવકો પણ શામેલ છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં RSSના સ્વયંસેવકો કરી રહ્યા છે દર્દીઓની સેવા કોઈપણ વિપત્તિમાં RSSના સ્વયંસેવકો ખડે પગે ઊભા રહેતા હોય છે
કુદરતી આપદા હોય અથવા દેશમાં કોઈપણ વિપત્તિ આવી પડે એવી પરિસ્થિતિમાં RSSના સ્વયંસેવકો ખડે પગે ઊભા રહેતા હોય છે. કોરોના કાળમાં પણ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરેલી છે, ત્યારે કોવિડ હોસ્પિટલમાં જઈ પોતાની જાનને પણ જોખમમાં મૂકી કોરોનાના દર્દીઓની સેવા કરવા સ્વયંસેવકો આગળ આવ્યા છે.
કાર્યકર્તાઓ હોસ્પિટલમાં માનવતાની મહેક મહેકાવી રહ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં હાલ સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે. તેમની સારવાર ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. દર્દીઓ પરિવારથી દૂર છે અને વિકટ પરિસ્થિતિમાં છે, ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓ હોસ્પિટલમાં માનવતાની મહેક મહેકાવી રહ્યા છે.
આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાનું તાંડવઃ નવા 9,541 કેસ અને 97 દર્દીના મોત થયા
હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની બહાર તમામ પ્રકારની સેવા
રોજે સવારે RSSના સ્વયંસેવકો હોસ્પિટલ પહોંચી જાય છે. PPE કીટ પહેરીને દર્દીઓ પાસે જાય છે. સવાર- સાંજનો નાસ્તો હોય અથવા બપોર કે રાત્રિનું ભોજન હોય તેઓ પોતાના હાથે દર્દીઓને આપે છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોની મદદ કરવા કોઈ હોસ્પિટલની બહાર હેલ્પલાઇન તૈયાર કરી છે. હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની બહાર તમામ પ્રકારની સેવા હાલ RSSના સ્વયંસેવકો આપી રહ્યા છે. તેઓ દર્દીઓના પરિજન સાથે દર્દીની વાત વીડિયો કોલ કરાવીને કરાવે છે. સૌથી અગત્યની વાત આ છે કે, જેટલા પણ સ્વયંસેવકો હાલ સેવા આપી રહ્યા છે. તેઓ તમામ યુવા છે. હાલમાંજ માસ્ટર ડિગ્રી અથવા તો બેચલરની ડિગ્રી મેળવી છે. એટલું જ નહિ સેવા આપનારા લોકોમાં બિલ્ડર અને વેપારીઓ પણ શામેલ છે.
આ પણ વાંચો :રાજકોટમાં કોરોનાના દર્દીઓ સહિતના લોકો માટે કાઉન્સેલિંગનું કામ શરૂ કરાયું
જે મદદની જરૂર હોય તે મદદ પૂરી પાડી રહ્યા છે
સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે, ત્યારે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓની મદદ માટે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હોસ્પિટલની PPE કીટ પહેરીને 7થી 8 કલાક કામ કરી રહ્યા છે. જેમાં આ તમામ સભ્યો દર્દીઓને સવાર, બપોર, સાંજ ભોજન કરાવી રહ્યા છે. દર્દીઓને પરિવારજનો સાથે વાત કરવી હોય તો વાત કરાવી રહ્યા છે અને દર્દીઓને જે મદદની જરૂર હોય તે મદદ પૂરી પાડી રહ્યા છે. સુરતમાં રોજ કૂદકેને ભૂસકે કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે પોતાની જિંદગીની પરવાહ કર્યા વગર લોકોની મદદ કરતા RSSના સ્વયંસેવકો ખરેખર માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.