- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં RSS એક્સનમાં
- મોહન ભાગવત આવ્યા રાજકોટ
- મોહન ભાગવતનો પ્રવાસ પશ્ચિમ બંગાળ ભાજપ માટે આશિર્વાદ
રાજકોટઃ અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, જામનગર મહાનગરપાલિકાઓમાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની હતી, જે કોરોના કાળને પગલે મોકૂફ રહી હતી. હવે આગામી સમયમાં ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંગે માહિતી આપવાનું છે, ત્યારે આ 6 કોર્પોરેશન સહિત 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સંદર્ભમાં આરએસએસ-ભાજપની પ્રવૃત્તિઓ અને અન્ય પક્ષોની રાજકીય ગતિવિધિઓ શરુ થઈ ગઇ છે.
RSS સુપ્રિમોની સૌરાષ્ટ્રની મુલાકાત મોહન ભાગવત રાજકોટના પ્રવાસે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત રાજકોટના પ્રવાસે છે, ત્યારે રાજકોટમાં તે મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ક્ચ્છના RSSના આગેવાનો સાથે બેઠક યોજવાના છે, તેમજ વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ કરવાના છે. કોરોના કાળ દરમિયાન ગુજરતમાંથી મોટાભાગના પરપ્રાંતિયોએ પોતાના વતનમાં સ્થળાંતર કર્યું હતું. આ બેઠકમાં પરપ્રાંતિયો મુદ્દે પણ 2 દિવસ સુધી ચર્ચા થવાની છે, જે આગામી દિવસો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના RSSના આગેવાનો સાથે યોજશે બેઠક
RSS સુપ્રીમો મોહન ભાગવત રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના આગેવાનો સાથે બેઠક યોજવાના છે. આ બેઠક આગામી 2 દિવસ સુધી ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના RSSના આગેવાનો સાથે કોરોના કાળમાં દરમિયાન કરેલી કામગીરી, તેમજ કોરોના દરમિયાન મજૂરોની સ્થિતિ કેવી હતી, પરપ્રાંતિયોને ગુજરતમાંથી પલાયન કેમ થવું પડ્યું, કોઈ જાનહાનિ હતી કે કેમ અને હાલ તેમની શું સ્થિતિ છે? આ તમામ બાબતો પર પણ ચર્ચા યોજવાના છે, તેમજ હવે આ મુદ્દે શુ થઈ શકે તે અંગેની પણ માહિતી આપી શકે છે.
રાજકોટમાં 1 લાખ કરતા વધુ બંગાળી કારીગરો
રાજકોટની સોની બજાર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. રાજકોટની સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોની સંખ્યા પણ અંદાજીત 1 લાખથી વધુ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે, તેમજ પશ્ચિમ બંગાળમાં પણ આગામી દિવસોમાં ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે મોહન ભાગવત રાજકોટમાં પરપ્રાંતિય મુદ્દે બેઠક યોજે તેનો સીધો લાભ પશ્વિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિવિધ જિલ્લાઓમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતિયો કામ કરીને અહીંયા વસવાટ કરી રહ્યા છે.
પશ્વિમ બંગાળ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે અસર
આ અંગે રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ મહારાષ્ટ્રના છે, તો આ એક સંઘનો કોઈ વિચારધારાનો પાર્ટ હોય અને સોશિયલ એન્જિનિયરીંગ કરેક્શન પણ હોઈ શકે છે. જો કે, ભાજપને આનો સીધો લાભ થઈ શકે છે. સંઘ ચૂંટણી પ્રચારમાં સીધું કોઈ દિવસ આવતું નથી. તેમજ મોહન ભાગવત માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મુદ્દો નાનો કહી શકાય છે. ઉલ્લેખનીય છે કે, RSSના વડાની રાજકોટની મુલાકાત પણ આગામી ચૂંટણીઓ લઈને પણ મહત્વની માનવામાં આવે છે.
10 લાખ જેટલા પરપ્રાંતિયો નાની મોટી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત
આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અંદાજીત 10 લાખ જેટલા પરપ્રાંતિયો નાની મોટી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. આ ઉપરાંત કોરોના કાળમાં ગુજરાતમાંથી અંદાજીત 30 લાખ પરપ્રાંતિયો પોતાના વતનમાં પાછા ફર્યા હોવાની ચર્ચા હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સમવૈચારિક સંસ્થાઓની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક, કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે 5થી 7 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાઇ હતી. જેમાં ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.