- રાજકોટના ભીલવાસમાં વહી લોહીની નદી
- કતલખાના દ્વારાકતલ કરાયેલા પ્રાણીઓનું છે લોહી
- મૃતક પશુ પક્ષીના અવશેષો ડ્રેનેજમાં નાખવામાં આવતા હતા
રાજકોટ: રાજકોટના ભીલવાસ વિસ્તારમાં ડ્રેનેજમાંથી અચાનક લોહીની નદી વહેતી થતા આસપાસના વિસ્તારમાં કુતુહલ સાથે રોષ ફેલાયો હતો. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ લોહી નજીકમાં આવેલા કતલખાનામાં કાપવામાં આવતા પશુ પક્ષીઓનું છે. કતલખાના દ્વારા પશુ પક્ષીના અવશેષો આ ડ્રેનેજમાં નાખવામાં આવતા હતા. જેને લઈને ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ હતી અને ડ્રેનેજમાંથી લોહીની નદીઓ વહી હતી.
રસ્તા પર વહી લોહીની નદી
રસ્તાઓ પર લોહીની નદીઓ વહેવાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો ફસાયા હતા. સદર બજારમાં આવેલા ભીલવાસ વિસ્તારમાં ગતરોજ ડ્રેનેજમાંથી લોહી ઉભરાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને અહીંથી પસાર થતા વાહનચાલકોને પણ આ લોહી સહિતના ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. વિસ્તારમાં આવેલા કેટલાંક કતલખાના માલિકો દ્વારા ડ્રેનેજમાં જ પશુ પક્ષીઓના કતલ કરીને તેના અવશેષો નાખવામાં આવતા આ પ્રકારની ઘટના સર્જાઈ હતી.
મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહીં
રાજકોટ મનપા દ્વારા આ ઘટના અંગે કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કતલખાનામાં કતલ થતાં પ્રાણીઓના અવશેષો અને લોહીવાળી ગંદકી ભૂગર્ભ ગટર મારફતે બહાર રોડ પર ઠલવાતા લોહીવાળી નદી રસ્તા પર વહેવા લાગી હતી. જો કે મૃત પશુઓના અવશેષોના નિકાલ માટે મનપાએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. કતલખાનામાં જ એક મોટી કચરાપેટી મૂકવામાં આવી છે. છતાં ડ્રેનેજમાં નખાતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈને મનપા દ્વારા આવા ઈસમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવામાં આવી રહ્યું છે.